ર૦૧૯ના વર્ષમાં વટવા વોર્ડમાં પાણીજન્ય રોગના એક હજાર કરતા વધુ કેસ નોધાયા
દક્ષિણઝોનના વટવા, લાંભા, દાણીલીમડા, અને બહેરામપુરા વોર્ડમાં પ્રદુષિત પાણીની સમસ્યા વધુ વિકટ બની |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : સ્માર્ટસીટી અમદાવાદમાં પ્રદુષિત પાણીની સમસ્યા ગંભીર બની રહી છે. મ્યુનિ.વહીવટીતંત્રની બેદરકારીના ફળસ્વરૂપ શહેરીજનો દુષિત પાણીનો ઉપયોગ કરવા મજબુર બની રહયા છે. જેના કારણે કમળો, કોલેરા, ટાઈફોઈડ અને ઝાડા ઉલટી જેવા પાણીજન્ય રોગના કેસ સતત વધી રહયા છે. ર૦૧૯ના વર્ષમાં ટાઈફોઈડના કેસમાં ચિંતાજનક હદે વધારો થયો છે.
સાથે-સાથે કોલેરાનો રોગચાળો પણ આતંક મચાવી રહયો છે.
શહેરના દક્ષિણ,પૂર્વ અને ઉત્તરઝોનમાં પ્રદુષિત પાણી અને પાણીજન્ય રોગચાળાની સ્થિતી વિકટ બની રહી છે. તેમાં પણ દક્ષિણઝોનના વટવા અને દાણીલીમડા વોર્ડની પરિસ્થિતિ અત્યંત બદ્દતર છે. ચોકાવનારી માહિતી મુજબ ર૦૧૯ના પ્રથમ ૦૬ મહીના દરમ્યાન માત્ર વટવા વોર્ડમાં જ પાણીજન્ય રોગના એક હજાર કરતા વધારે કેસ નોધાયા છે.
મ્યુનિ.કોર્પોરેશનના દક્ષિણઝોનમાં પ્રદુષિત પાણીની સમસ્યા વકરી રહી છે. ઝોનના બહેરામપુરા,વટવા, લાંભા અને દાણીલીમડાના રહીશો ઘણા સમયથી “કાળા પાણી”ની સજા ભોગવી રહયા છે. દુષિત પાણીના પરિણામે આ વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળો પણ વકરી રહયો છે. ચાલુ વર્ષ દરમ્યાન દક્ષિણઝોનમાં પાણીજન્ય રોગના ત્રણ હજાર કરતા વધારે કેસ નોધાયા છે.
જે પૈકી વટવા વોર્ડમાંથી ૧૧પ૦ કેસ બહાર આવ્યા છે. સુત્રોના જણાવ્યા મુજબ વટવા વોર્ડમાં ટાઈફોઈડના ૩૧૦,ઝાડાઉલટીના ૬૭૦ કમળાના ૧૧પ અને કોલેરા ના ૧૪ કેસ નોધાયા છે. આ આંકડા મ્યુનિ. સંચાલીત હોસ્પીટલો કે અર્બન હેલ્થ સેન્ટરના છે. દક્ષિણઝોનના દાણીલીમડા વોર્ડમાં પણ વર્ષના પ્રથમ છ મહીનામાં પાણીજન્ય રોગના ૪પ૦ જેટલા કેસ નોધાયા છે.
દાણીલીમડામાં ટાઈફોઈડના ૯૧, ઝાડાઉલટીના ર૮૯,કમળાના ૬૮ તથા કોલેરાના૦પ કેસ કન્ફર્મ થયા છે. લાંભા વોર્ડમાં ટાઈફોઈડ ના ૭૬,ઝાડાઉલટીના રપપ, કમળાના ૪૧ તથા કોલેરા ૦પ કેસ નોધાયા છે. આમ, દક્ષિણઝોનના માત્ર ત્રણ વોર્ડમાં જ પાણીજન્ય રોગના બે હજાર કેસ નોધાયા છે.
પૂર્વઝોનમાં પણ પ્રદુષિત પાણીની સમસ્યા વકરી રહી છે. પૂર્વઝોનના ગોમતીપુર વોર્ડમાં પ્રથમ ૦૬ માસ દરમ્યાન પાણીજન્ય રોગના પપ૦ કરતા વધુ કેસ નોધાયા છે. ગોમતીપુરમાં ટાઈફોઈડના ૧ર૩, ઝાડા ઉલટીના ર૯૮, કમળાના ૪૦ અને કોલેરાના ૦ર કેસ નોધાયા છે. અમરાઈવાડી વોર્ડમાં ટાઈફોઈડના ૧રર, ઝાડા ઉલટીના ર૪૦, કમળાના પ૪ તથા કોલેરાના૦પ કેસ બહાર આવ્યા છે.
મ્યુનિ. કોર્પોરેશનના જે વોર્ડમાં કોગ્રેસના કોર્પોરેટરો છે તે વોર્ડમાં પ્રદુષિત પાણી મામલે હોબાળો અને દેખાવો થઈ રહયા છે. બે દિવસ પહેલા બહેરામપુરા વોર્ડમાં દુષિત પાણીની સમસ્યાથી ત્રસ્ત કોર્પોરેટરો અને નાગરીકોએ ઉગ્ર દેખાવો કર્યા હતા. પરંતુ જે વોર્ડમાં ભાજપની પેનલ છે. તે વોર્ડમાં નાગરીકોના ફાળે સહન કરવાનું જ આવે છે. વટવા વોર્ડમાંથી પાણીજન્ય રોગચાળાના સૌથી વધારે કેસ બહાર આવી રહયા હોવા છતાં ભાજપના કોર્પોરેટરો મૌન છે.
તથા તંત્ર સામે ફરીયાદ પણ કરતા નથી. લાંભા વોર્ડમાં પણ સમાન પરિસ્થિતિ જાવા મળી રહી છે. જયારે કોગ્રેસ ના કોર્પોરેટરો તેમના વોર્ડમાંથી સમસ્યા દૂર કરવા માટે વારંવાર રજુઆતો કરી રહયા છે. ગોમતીપુર, બહેરામપુરા અને દાણીલીમડા, જમાલપુર અનેદરીયાપુરના કોર્પોેરેટરો અને ધારાસભ્યો પણ પ્રદુષિત પાણી મુદ્દે રજુઆત કરતા રહયા છે. જયારે ભાજપના કોર્પોરેટરો શિસ્તના નામે પ્રજાદ્રોહ કરી રહયા હોવાની લાગણી સ્થાનિક રહીશોમાં પ્રર્વતી રહી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.