ર૧ ફેબ્રુઆરીએ મતદાન મથકો પર આરોગ્ય સુરક્ષાની તકેદારી રખાશે
(પ્રતિનિધિ) અમદાવાદ, આગામી રવિવારે યોજાનાર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ચૂંટણીપંચ અને પોલીસ વિભાગની સાથે સાથે મ્યુનિ. આરોગ્ય વિભાગ દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. જયારે મોટેરા સ્ટેડીયમ ખાતે શરૂ થનાર ક્રિકેટ મેચ માટે પણ ખાસ માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે.
વૈશ્વિક મહામારી કોરોનાનો હજુ અંત આવ્યો નથી. અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે તેમ છતાં ર૧ ફેબ્રુઆરીએ થનાર મતદાન માટે મનપા દ્વારા તકેદારીના પગલા લેવામાં આવ્યા છે. મ્યુનિ. આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીએ જણાવ્યા મુજબ ર૧ તારીખે તમામ બૂથ પર આંગણવાડી વર્કર હાજર રહેશે.
મતદાતાઓએ માસ્ક પહેરવા, સોશીયલ ડીસ્ટન્સ જાળવવા તેમજ સેનેટાઈઝરનો ઉપયોગ કરે તેનું ધ્યાન રાખશે. કોરોના પોઝીટીવ દર્દીઓ મતદાનના દિવસે સાંજે પાંચથી છ વાગ્યા દરમ્યાન પીપીઈ કીટ પહેરીને વોટીંગ કરી શકશે તેના માટે મતદાન મથકના રીટનીંગ ઓફીસરને અગાઉથી જાણ કરવાની રહેશે. કોરોના પોઝીટીવ દર્દી પીપીઈ કીટ પહેરીને મતદાન કરી શકશે. ર૧ ફેબ્રુઆરીએ આંગણવાડીના ૧ર૦૦ વર્કર અલગ-અલગ મતદાન મથક પર ફરજ બજાવશે. તમામ મતદાતાના થર્મલ ગનથી ટેમ્પરેચર માપવામાં આવશે.
મોટેરા સ્ટેડીયમ ખાતે આગામી સપ્તાહથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ક્રિકેટ મેચ શરૂ થઈ રહી છે. કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા માટે મનપા દ્વારા ખાસ ગાઈડ લાઈન તૈયાર કરવામાં આવશે જે મેચ આયોજકોને આપવામાં આવશે મેચ દિવસો દરમ્યાન તેનું પાલન કરવું ફરજીયાત રહેશે તેમ તેમણે જણાવ્યું હતું.