ર૪ ટન જીરૂ મંગાવી નાણાં ચુકવ્યા વગર અન્ય વેપારીને વેચી માર્યું
શહેરના વેપારી સાથે યુપીનાં પિતા-પુત્રે ૪૦ લાખની છેતરપીંડી આચરી
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના એક વેપારીનો વિશ્વાસ જીતીને ઉત્તરપ્રદેશના ગઠીયા પિતા-પુત્રએ ૪૦ લાખ રૂપિયા છેતરપીંડી આચર્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં ખેતપેદાશના વેપારી પાસે માલ લઈ નિયમિત ચુકવણી કર્યા બાદ તેમની પાસેથી ૪૬ લાખ રૂપિયાના માલની ખરીદી કરી હતી અને ૬ લાખ ચુકવીને ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા ઉપરાંત તમામ માલ બારોબાર વેચી માર્યો હતો.
સોલા ખાતે રહેતા વેપારી પ્રતિકભાઈ ગૌતમ સાયન્સ સીટી રોડ પર એગ્રો પ્રોડક્ટનું ટ્રેડીંગ કરવાનો વ્યવસાય કરે છે અને પાટણ ખાતે પોતાની ફેકટરી ધરાવે છે ગત એપ્રિલ માસમાં વારાણસીના લક્ષ્મીનારાયણ ટ્રેડર્સના માલિક રણજીત કેસરીએ તેમનો સંપર્ક કરીને ધંધાની વાત કરી હતી
ઉપરાંત પોતાની ઔદ્યોગીક વ્યાપાર એસોસીએશનના પ્રમુખ તરીકેની ઓળખ પણ આપી હતી. બાદમાં રણજીત તથા તેના પુત્ર લક્ષ્મીનારાયણે ૧ ટન જીરાની માંગ કરી હતી એ મુજબ માલ મોકલી આપતા પિતા-પુત્રે રૂપિયા ૧.૮૯ લાખનું આરટીજીએસ કરીને ચુકવ્યા હતા બાદમાં જુનમાં તેમણે રપ ટન જીરાનો ઓર્ડર આપ્યો હતો
અને ૪૭.રપ લાખનો ચેક મોકલાવ્યો હતો જેથી પ્રતિકભાઈએ ર૪ ટન જીરૂ મોકલી આપ્યુ હતું બીજી તરફ ચેક થોડા દિવસ પછી ભરવા જણાવ્યું હતું બાદમાં રૂપિયા બાબતે ગલ્લા તલ્લા કરતા પ્રતિકભાઈએ ચેક ખાતામાં નાખતા તે સ્ટોપ પેમેન્ટના કારણે પરત ફર્યો હતો
અવારનવાર તેમની પાસે માંગણી કરતા ૬ લાખ રૂપિયા મોકલી આપ્યા હતા અને ૩૯.૬૩ લાખ રૂપિયા ચુકવ્યા નહતા. દરમિયાન તપાસ કરતા આ પિતા-પુત્રએ ર૪ ટન જીરૂ કોઈમ્બતુરના વેપારીને વેચી માર્યાની જાણ થઈ હતી જેથી પ્રતિકભાઈએ તેની પાસેથી પણ વિગતો મંગાવ્યા બાદ રણજીત કેસરી, તેના પુત્ર લક્ષ્મીનારાયણ તથા તેની પત્ની ગીતા કેસરી વિરુધ્ધ ક્રાઈમબ્રાંચમાં ઠગાઈની ફરીયાદ નોંધાવી છે.