ર૭મી જુલાઈએ વડાપ્રધાન દેશના મુખ્યમંત્રીઓ સાથે સંવાદ કરે તેવી શક્યતા

(પ્રતિનિધિ) અમદાવાદ: ગુજરાત સહિત દેશના અન્ય રાજયોમાં કોરોનાના કેસમાં વધારો થતા કેન્દ્ર સરકાર ભારે ચિંતામાં મૂકાઈ છે. હાલમાં દેશમાં અનલોકની સ્થિતિ પ્રવર્તી રહી છે તેમ છતાં અમુક રાજયોએ લોકડાઉનની જાહેરાત કરી છે. અમુક રાજયોએ આંશિક તો કેટલાક રાજયોએ સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. વિશ્વના અનેક દેશોમાં કોરોનાના કેસ વધતા લોકડાઉન જાહેર કર્યુ છે.
ભારતમાં પુનઃ લોકડાઉનની સંભવાના નથી. કેન્દ્ર સરકાર અનલોકમાં ધંધા-રોજગાર શરૂ થતા હવે તેમાં કોઈ વિધ્ન ઉભુ કરવા માંગતી નથી તેમ છતાં કોરોનાનું સંક્રમણ વધતા નવા- નિતિ નિયમોને વધુ કડકાઈથી અમલ કરાવવા પર ભાર મૂકાશે. દરમિયાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ર૭ જુલાઈના રોજ દેશના જુદા-જુદા રાજયોના મુખ્યમંત્રીઓ સાથે કોરોનાની સ્થિતિ લઈને ચર્ચા કરે તેવી શક્યતાઓ છે.
વડાપ્રધાન જે રાજયોમાં કોરોનાના કેસ વધ્યા છે તે રાજયોના મુખ્યમંત્રી સાથે વાતચીત કરીને તાગ મેળવશે. જે રાજયોમાં કોરોનાનું સંક્રમણ વધ્યુ છે તેવા ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી સહિતના અન્ય રાજયોનો સમાવેશ થાય છે. વડાપ્રધાન આ તમામ રાજયોના મુખ્યમંત્રીઓ પાસેથી કોરોનાની સ્થિતિ અંગે માહિતી મેળવશે તથા કોરોનાને અટકાવવા માટે લેવામાં આવતા પગલાઓની સમીક્ષા કરશે.
તદ્દઉપરાંત કોરોના વધી રહયો છે ત્યારે રાજય સરકાર આગામી દિવસોમાં નિયમોને કેવી રીતે અમલમાં મૂકવા માંગે છે તે અંગે માહિતી મેળવશે. ટૂંકમાં વડાપ્રધાન રાજયોના મુખ્યમંત્રીઓ પાસેથી કોરોનાના વધતા કેસો સામે કામગીરીની સમીક્ષા કરશે અને જરૂરી સૂચનો કરશે.