લકી ડ્રો ના નામે રપ૦૦ થી વધુ લોકો સાથે કરોડોની ઠગાઈ કરનાર એક ઝડપાયો
(એજન્સી) અમદાવાદ, શહેરના જુદા જુદા વિસ્તારોમાં લકી ડ્રો ના નામે રપ૦૦થી વધુ લોકો પાસેથી કરોડો રૂપિયા મેળવી ઠગાઈ આચરનાર એક આરોપીને સીઆઈડી ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધો છે. ત્યારબાદ આરોપીને કોર્ટમાં રજુ કરવામાં આવતા સ્પેશ્યલ જીપીઆઈડી કોર્ટે આરોપીના ત્રણ દિવસના રીમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે. બીજી તરફ આ મામલે સંડોવાયેલા બીજા આરોપીઓની શોધખોળ સીઆઈડી ક્રાઈમે શરૂ કરી છે.
લકી ડ્રોના નામે સ્કીમ ખોલી રપ૦૦થી વધુ લોકો સાથેે ઠગાઈ કરવાના કેસમાં પોલીસે ચિરાગ મહેશભાઈ ભદ્રા (રહે.બી/૦૦૧ શ્રીહરિ સ્ટેેટસ મધુવન ગ્લોરીની બાજુમાં નવા નરોડા)ને ઝડપી લીધો હતો.
ત્યારબાદ કોર્ટમાં રીમાન્ડ માટે રજુ કર્યો હતો. જયાં મુખ્ય સરકારી વકીલ પ્રવિણ ત્રિવેદીએ રીમાન્ડ અરજી અંગે રજુઆત કરતા જણાવ્યુ હતુ કે મુખ્ય આરોપી મહેશ પરમાનંદ ભદ્રા તથા મમતા ડો / ઓ મહેશ પરમાનંદ ભદ્રા ફરાર છે. તો તેઓ હાલમાં ક્યાં છે? આરોપીઓએ બે બંન્ને ઈનામો સ્કીમોમાં સભ્યો પાસેથી કુલ રૂા.ર,૯ર,પ૧,૦૦૦ની રકમ ઉઘરાવેલ છે. તે રકમ તેઓએ ક્યાં રાખેલ છે? અથવા તે રકમથી કોઈ સ્થાવર કે જંગમ મિલકત વસાવેલ છે કે કેમ?
આરોપીઓ દ્વારા પ્રથમ સ્કીમમાં જ્યારે લક્કી ડ્રો કરવામાં આવતો હતો ત્યારે નંબર ૧ થી ૩૦૦૦ સુધીના નંબરવાળા સિક્કા (બિલ્લા)ઓ રાખવામાં આવતા હતા. અને ફરીયાદી તથા એજન્ટો પાસેથી ફક્ત ૪૭પ સભ્યોનો નાણાંકીય હિસાબ મળેલ છે. જ્યારે બાકીના રપરપ સભ્યો પાસેથી આરોપીઓએ કેટલી રકમ ઉઘરાવી છે તે બાબતે પણ તપાસ કરવા આરોપીની હાજરીની જરૂર છે. તેમણે એવી પણ રજુઆત કરી હતી કે આરોપીઓની પ્રથમ સ્કીમના ૩૦૦૦ પૈકી રપરપ સભ્યો પોતાના હોવાનુૃ જણાવી તે અંગેનો કોઈ હિસાબ કિતાબ સ્કીમમાં સભ્ય થનાર અને સભ્યો કે એજન્ટોને જણાવેલ નથી.
જેથી આ સભ્યો આરોપીઓ દ્વારા ડમી બનાવવામાં આવેલ છે કે કેમ?આરોપીઓએે અગાઉ આવી અન્ય કોઈ ઈનામી યોજના મુકી તેમાં સભ્યો બનાવીને સભ્યો પાસેથી નાણાં ઉઘરાવ્યા છે કે કેમ? આરોપીના બેંક સ્ટેટમેન્ટની એન્ટ્રીઓ સાથે રાખી પૂછપરછ કરવા આરોપીની હાજરીની જરૂર છે. આરોપીઓએ જે જગ્યાએ ઓફિસ ચલાવતા હતા તે જગ્યા તથા જે જગ્યાએ ડ્રો કરતા હતા તે જગ્યાની તપાસ કરવી છે.