લક્ઝુરીયસ કારમાં સટ્ટો રમાડતા સટોડીયા ઝડપાયા
વડોદરા: કોરોના કહેર વચ્ચે ચાલી રહેલી આઇપીએલ ૨૦૨૦ શરૂ થતાં જ ગુજરાતના સટૉડિયા એક્ટિ્વ થઇ ગયા છે. છેલ્લા કેટલાક દિવસોમાં અમદાવાદ, સુરત વડોદરામાં સતત સટોડિયાઓ ઝડપાઇ રહ્યા છે. ત્રણ દિવસ પહેલાં જ આઈપીએલની મુંબઈ ઈન્ડિયન્સ તથા કિંગ ઈલેવન પંજાબ વચ્ચેની મેચ ઉપર સટ્ટો રમાડતા બે સટોડીયાને પોલીસે સુરતના વરાછા અને કતારગામ વિસ્તારમાંથી ઝડપી પાડી રૂ.૩૮,૪૫૦ રોકડા, ૬ મોબાઈલ ફોન અને અન્ય સાધન સામગ્રી મળી કુલ રૂ.૮૨,૬૫૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ત્યારે હવે વડોદરાના નવાપુરામાં વ્રજવાટિકા કોમ્પલેક્સ પાર્કિંગમં આઇપીએલની મુંબઇ ઇન્ડિયન્સ તેમજ હૈદ્રાબાદ વચ્ચેની ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા ત્રણ આરોપીઓને પીસીબી પોલીસે ઝડપી પાડયા છે. સટોડિયાઓ લેપટોપ અને મોબાઇલ ફોનની મદદથી સટ્ટો રમાડતા હતા. પોલીસે કાર, લેપટોપ અને મોબાઇલ ફોન મળીને કુલ રૃપિયા ૩.૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે કરજણના વાહીદ પઠાણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ વડોદરા શહેરની પીસીબી પોલીસે સંગમ ચાર રસ્તા નજીક આવેલા કોમ્પલેક્સમાં દરોડો પાડી આઈપીએલ ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડતા બે શખ્સોને ઝડપી પાડયા હતા. જ્યારે એકને વોન્ટેડ જાહેર કરી સ્થળ પરથી રૂ. ૧.૧૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.