Western Times News

Gujarati News

લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ ખાતે ૧૪૦ કરાટેવીરોને બ્લેકબેલ્ટની ડિગ્રી અનાયત કરાઇ

તંદુરસ્ત રહેવા અને પોતાની રક્ષા કરવા માટે કરાટે ઉત્તમ માધ્યમ છે : આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકર

વલસાડ:વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ સ્થિત લક્ષ્મી વિદ્યાપીઠ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં એકી સાથે ૧૪૦ કરાટેવીરોને વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી રમણલાલ પાટકર સહિત મહાનુભાવોના હસ્તે બ્લેકબેલ્ટની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. જેમાં ૫૦ મહિલાઓનો સમાવેશ થાય છે.

આ અવસરે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, યુવાનો શારીરિક રીતે મજબૂત બને તે માટે હાર્દિક શાહ ૧૯૭૧થી શરૂ કરી આજદિન સુધી સમગ્ર જિલ્લાના અને બાળકોને કરાટેની તાલીમ આપી રહ્યા છે, જે સરાહનીય છે.

તંદુરસ્ત રહેવા અને પોતાની રક્ષા કરવા માટે કરાટે ઉત્તમ માધ્યમ બન્યું છે, ત્યારે સ્વબચાવ માટે માર્શલ આર્ટની તાલીમ બધા બાળકોએ લેવી જ જોઇએ. ઉચ્ચ શિક્ષણ મેળવી કે અન્ય ક્ષેત્રમાં કોઇ ડિગ્રી મેળવીએ ત્યારે તે પદવી કાયમ માટે રહે છે, તેમ જણાવી મંત્રીશ્રીએ તાલીમ મેળવીને જે તાલીમાર્થઓએ બ્લેકબેલ્ટ મેળવ્યા છે, તે તમામ યુવક-યુવતીઓ સમાજમાં નામના મેળવશે, અન આ ઘટના તેમના માટે યાદગાર બની રહેશે, તેવી આશા વ્યક્ત કરી હતી.

આ અવસરે સંસ્થાના પ્રમુખ તેમજ ચીફ એક્ઝામીનર સેવન્થ ડેન બ્લેકબેલ્ટ હાર્દિક જોષીએ જણાવ્યું હતું કે, માર્શલ આર્ટથી ક્રિએટીવીટી સ્ટ્રેન્થ ડેવલપ થાય છે. કરાટેમાં ભારતભરમાંથી કદાચ પહેલ જ વખત ૧૪૦ જેટલા લોકો એકસાથે એક જ સમયે બ્લેકબેલ્ટની ડિગ્રી મેળવે એ સિદ્ધિ ગુજરાતના દક્ષિણ છેડે ભગવાન પરશુરામની ભૂમિમાં થવા જઇ રહયું છે, ત્રણ દિવસની કઠિન પરીક્ષા બાદ બ્લેક્બેલ્ટ અને સટિફિકેટ એનાયત કરવામાં આવ્યા છે. કરાટેમાં નિપુણતા હાંસલ કરવા માટે સુરક્ષા સેતુ હેઠળ જિલ્લા પોલીસ વિભાગના સહયોગથી ચાલીસ હજાર કરતાં વધુ મહિલાઓને કરાટેની તાલીમ આપી છે.

સમાજસેવી ગફરભાઇ બિલખીયાએ જણાવ્યું હતું કે, સમાજ અને પોતાનું રક્ષણ કરી શકે તે હેતુસર માતા-પિતા બાળકોને માર્શલ આર્ટની તાલીમ અપાવે છે, જે અભિનંદનીય છે. જ્ઞાન અને વિજ્ઞાનના યુગમાં કેળવણી થકી જીવન સુધરી શકે છે. યુવાનો ભારતનું ગૌરવ સમાન છે. લાઇવ ડેમોસ્ટ્રેશન થકી સેલ્ફ ડિફેન્સ કેવી રીતે કરી શકાય તેની સમજણ આપવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન સેન્સાઇ યોગેશ દ્વારા કરાયુ હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.