લખનૌ સુપર જાયન્ટ્સે પંજાબના કિંગ્સને હરાવ્યું
નવી દિલ્હી, ક્વિન્ટન ડીકોક અને દીપક હૂડાની મહત્વની ઈનિંગ્સ બાદ બોલર્સે કરેલા લાજવાબ પ્રદર્શનની મદદથી લખનૌ સુપર જાયન્ટ્સે આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં શુક્રવારે રમાયેલી મેચમાં ૨૦ રને વિજય નોંધાવ્યો હતો. આઈપીએલ-૨૦૨૨માં પુણેમાં રમાયેલી આ મેચમાં બંને ટીમના બેટર્સનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું.
પ્રથમ બેટિંગનું આમંત્રણ મળ્યા બાદ લખનૌ સુપર જાયન્ટ્સે ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૫૩ રનનો સ્કોર નોંધાવ્યો હતો. તેનો એક પણ બેટર અડધી સદી ફટકારી શક્યો ન હતો. સૌથી વધુ રન ક્વિન્ટન ડીકોકે નોંધાવ્યા હતા. તેણે ૪૨ રનની ઈનિંગ્સ રમી હતી.
જાેકે, પંજાબ કિંગ્સના બેટર્સ પણ નિષ્ફળ રહ્યા હતા જેના કારણે ટીમ ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૩૩ રન જ નોંધાવી શકી હતી. જાેની બેરસ્ટોએ સૌથી વધુ ૩૨ રનનું યોગદાન આપ્યું હતું. પંજાબના બોલર્સે શાનદાર પ્રદર્શન કરીને લખનૌને મોટો સ્કોર કરવા દીધો ન હતો.
પરંતુ ૧૫૪ રનના લક્ષ્યાંકના જવાબમાં પંજાબના બેટર્સનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું હતું. ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને બાદમાં ટીમે નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી જેના કારણે ટીમે વિજયથી વંચિત રહી હતી.
મયંક અગ્રવાલ અને શિખર ધવનની ઓપનિંગ જાેડીએ ૩૫ રનની ભાગીદારી નોંધાવી હતી જેમાં ધવનનું યોગદાન ફક્ત પાંચ રનનું રહ્યું હતું. મયંક અગ્રવાલે ૨૫ રનની ઈનિંગ્સ રમી હતી. તેણે ૧૭ બોલમાં બે ચોગ્ગા અને બે સિક્સર ફટકારી હતી.
આ ઉપરાંત જાેની બેરસ્ટોએ ૨૮ બોલમાં પાંચ ચોગ્ગા સાથે ૩૨ રન ફટકાર્યા હતા પરંતુ આ સિવાયના બેટર નિષ્ફળ રહ્યા હતા. ભાનુકા રાજપક્સે નવ, લિયામ લિવિંગસ્ટોન ૧૮, જિતેશ શ્મા બે અને કાગિસો રબાડાએ બે રનનું યોગદાન આપ્યું હતું.
જ્યારે રિશિ ધવન ૨૧ રન નોંધાવીને નોટઆઉટ રહ્યો હતો. લખનૌ માટે મોહસિન ખાને ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે દુષ્મંથા ચમીરા અને કૃણાલ પંડ્યાએ બે-બે તથા રવિ બિશ્નોઈએ એક વિકેટ ઝડપી હતી. પંજાબ કિંગ્સે ટોસ જીતીને લખનૌ સુપર જાયન્ટ્સને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું.
કાગિસ રબાડાની શાનદાર બોલિંગની મદદથી પંજાબ કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને મોટો સ્કોર કરતાં અટકાવ્યું હતું. લખનૌની ટીમ ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૫૩ રનનો સ્કોર નોંધાવી શકી હતી.
ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને મિડલ ઓર્ડરના બેટર નિષ્ફળ રહ્યા હતા. ટીમે ૧૩ રનના સ્કોરે સુકાની લોકેશ રાહુલની વિકેટ ગુમાવી દીધી હતી. રાહુલ ૧૧ બોલમાં છ રન નોંધાવીને આઉટ થયો હતો. બાદમાં ઓપનર ક્વિન્ટન ડીકોક અને દીપક હૂડાએ બાજી સંભાળી હતી. આ જાેડીએ ૮૫ રનની ભાગીદારી નોંધાવી હતી.SSS