લખીમપુર ખેરી હિંસા: રાષ્ટ્રીય લઘુમતી આયોગે ૩ દિવસમાં રિપોર્ટ માંગ્યા
નવીદિલ્હી, ઉત્તરપ્રદેશના લખીમપુર ખેરીમાં રવિવારના રોજ થયેલી હિંસાનો મુદ્દો અટકતો નથી. રાષ્ટ્રીય લઘુમતી આયોગે લખીમપુર ખેરીમાં ખેડૂતોના આંદોલન દરમિયાન શીખો સહિત અનેક લોકોના મોત અંગે જાતે નોંધ લીધી છે. પંચે ઉત્તરપ્રદેશના મુખ્ય સચિવને સૂચનાઓ આપવામાં આવી છે અને ૩ દિવસમાં સમગ્ર ઘટના અંગે વિગતવાર અહેવાલ માંગ્યો છે.
આ પહેલા બુધવારના રોજ કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી લખીમપુર હિંસાના પીડિતોને મળ્યા હતા. તેમની સાથે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની પણ હતા. આ ઘટના પર વિપક્ષ સતત કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્રની ધરપકડ અને મંત્રીની હકાલપટ્ટી માટે દબાણ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ સિવાય લખીમપુર ખેરીમાં રાજકીય પક્ષોના નેતાઓ દ્વારા પીડિતોના ઘરે પહોંચવાની પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ ઉત્તરપ્રદેશ વહીવટી તંત્રે કેટલાક વિરોધી પક્ષના નેતાઓને રસ્તામાં રોકી દીધા હતા.
ઉલ્લેખનીય છે કે, લખીમપુર ખેરીમાં કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા સામે ખેડૂતોના વિરોધ દરમિયાન રવિવારના રોજ પરિસ્થિતિ વધુ વણસી હતી. ખેડૂતોનો આરોપ છે કે, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્રએ વિરોધ કરી રહેલા ખેડૂતો પર તેમની કારને ચડાવી દીધી હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં ૮ ખેડૂતોના મોત થયા છે.
જે વચ્ચે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી પણ લખીમપુરમાં ખેડૂતોને મળવા ૩-૪ ઓક્ટોબરના રોજ બપોરે ૧ વાગ્યે તેમના નિવાસસ્થાનેથી નીકળ્યા હતા, પરંતુ હરગાંવથી અટકાયત કરીને સીતાપુર પોલીસ લાઈન્સમાં લઈ જવામાં આવી હતી. આ દરમિયાન પ્રિયંકા ગાંધીનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તેઓ પોલીસકર્મીઓ પર રોષે ભરાયા હતા.HS