લખીમપુર હિંસાના સહ આરોપી અંકિત દાસે આત્મસમર્પણ કર્યું!

લખનૌ, લખીમપુર ઘટનાના સહ આરોપી અંકિત દાસે એસઆઈટી સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. યુપી પોલીસના દબાણના કારણે અંકિત કોર્ટમાં હાજર થયો ન હતો. યુપીના પૂર્વ મુખ્યમંત્રી બાબુ બનારસી દાસના પૌત્ર અંકિત દાસ વકીલોની ફોજ અને વાહનોના કાફલા સાથે સામે આવ્યો હતો.
લખીમપુર ખીરી હિંસા કેસમાં પોલીસ રવિવારે અંકિત દાસને શોધવા માટે લખનઉના પુરાના કિલા વિસ્તારમાં તેના ઘરે પહોંચી હતી. પરંતુ અંકિત ત્યાં હાજર ન હતો. અંકિતના ઘરે પોલીસે પૂછપરછ કરી હતી. અંકિત દાસની શોધમાં પોલીસે ઘણી જગ્યાએ દરોડા પણ પાડ્યા હતા. અંકિત દાસ પૂર્વ સાંસદ અખિલેશ દાસનો ભત્રીજાે છે અને આ કેસમાં મુખ્ય આરોપી આશિષ મિશ્રાની નજીક છે.
કોર્ટમાં અંકિત દાસ વતી આત્મસમર્પણ માટેની અરજી કરવામાં આવી હતી. અરજીની નોંધ લેતા કોર્ટે આ મામલે સ્થાનિક પોલીસ પાસેથી રિપોર્ટ માંગ્યો હતો. આરોપ છે કે અંકિત દાસ ખેડૂતોને કચડી નાખતી થાર જીપની પાછળ દોડતી ફોર્ચ્યુનરમાં બેઠો હતો.
લખીમપુર હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોના મોતના મામલે આશિષ મિશ્રા પછી તેના મિત્ર અંકિત દાસના ડ્રાઈવર શેખર ભારતીની મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી. શેખર ભારતીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, અંકિત દાસનો ડ્રાઇવર તે સમયે ફોર્ચ્યુનર ચલાવી રહ્યો હતો, જે તે કાફલામાં મુખ્ય રીતે દોડતી જાેવા મળી હતી. આ કેસમાં ખેડૂતોએ આશિષ મિશ્રા મોનુ સાથે ૧૫ અજાણ્યા લોકોના નામ આપ્યા છે.HS