લખીમપુર હિંસા મામલે 5,000 પાનાની ચાર્જશીટ દાખલ

નવી દિલ્હી, લખીમપુર હિંસા કેસમાં ઉત્તર પ્રદેશ SITએ ચાર્જશીટ દાખલ કરી દીધી છે. સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે 5,000 પાનાની ચાર્જશીટમાં એસઆઈટીએ ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના દીકરા આશીષ મિશ્રાને મુખ્ય આરોપી બતાવ્યો છે. એટલું જ નહીં, એસઆઈટીના કહેવા પ્રમાણે આશીષ ઘટના સ્થળે જ ઉપસ્થિત હતો.
તેના પહેલા એસઆઈટી લોખંડના બોક્સમાં 5,000 પાનાની ચાર્જશીટ લઈને લખનૌ કોર્ટ પહોંચી હતી. ચાર્જશીટમાં પોલીસે આશીષ મિશ્રાના અન્ય એક સંબંધીને પણ આરોપી બનાવ્યો છે. પોલીસના કહેવા પ્રમાણે વીરેન્દ્ર શુક્લા પર પુરાવા સંતાડવાનો આરોપ લાગ્યો છે. આશીષ મિશ્રાની થાર જીપની પાછળ ચાલી રહેલી 2 ગાડીઓમાંથી એક વીરેન્દ્રની સ્કોર્પિયો હતી. પહેલા શુક્લાએ પોતાની સ્કોર્પિયો સંતાડીને બીજાની ગાડી બતાવી હતી.
આ કેસના મુખ્ય આરોપી આશીષ મિશ્રા સહિતના તમામ 13 આરોપીઓ જેલમાં બંધ છે. પોલીસે ચાર્જશીટમાં વીરેન્દ્ર શુક્લાનું એક નવું નામ ઉમેર્યું છે. વીરેન્દ્ર પર કલમ 201 અંતર્ગત પુરાવા છુપાવવાનું ષડયંત્ર રચવાનો આરોપ છે. વીરેન્દ્ર કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાનો સંબંધી છે.
ગત 3 ઓક્ટોબરના રોજ લખીમપુરના તિકુનિયા ખાતે થયેલી હિંસામાં 8 લોકોના મોત થયા હતા. એવો આરોપ છે કે, કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્ર ટેનીના દીકરા આશીષ મિશ્રા ઉર્ફે મોનૂએ પોતાની જીપ નીચે ખેડૂતોને કચડી માર્યા હતા. ત્યાર બાદ રોષે ભરાયેલા ટોળાએ આશીષના ડ્રાઈવર સહિત 4 લોકોની હત્યા કરી દીધી હતી.
તાજેતરમાં જ આ કેસનો એસઆઈટી રિપોર્ટ સામે આવ્યો હતો. તેમાં તપાસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, લખીમપુરના તિકુનિયા ખાતે થયેલી હિંસા કે દુર્ઘટના એ અજાણતા થયેલી હત્યા નથી પરંતુ હથિયારોથી સજ્જ થઈને એકમતે ગંભીર ષડયંત્ર અંતર્ગત કરવામાં આવેલા હત્યાના પ્રયત્નની ઘટના છે. કોર્ટે તપાસ અધિકારીઓની માગણી પર આશીષ મિશ્રા વિરૂદ્ધ વધુ આકરી કલમો લાગુ કરી છે. ત્યાર બાદ વિપક્ષે રસ્તાથી લઈને સંસદ સુધી ભારે હંગામો કર્યો હતો અને કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના રાજીનામાની માગણી કરી હતી.