Western Times News

Gujarati News

લગ્નના નામે ફસાવી પૈસા પડાવતી ગેંગનો પર્દાફાશ

પ્રતિકાત્મક

ગોંડલના યુવાનની પત્ની પુત્ર સાથે ગાયબ થઈ હતી -યુવાનને લગ્ન કરાવી ૨.૪૦ લાખ લીધા પછી પુત્ર સાથે મહિલા ફરાર, કોર્ટમાં અરજી બાદ પોલીસની કાર્યવાહી

રાજકોટ,  અજય ધરાજીયાની પત્ની અને બાળક જ્યારે ગાયબ થઈ ગયા, ત્યારે તેને એવી શંકા હતી કે કદાચ તેના સાસરિયાએ તેમને ક્યાંક ગોંધી રાખ્યા છે. પોલીસે પણ આ મામલે કોઈ સંતોષજનક કાર્યવાહી ના કરતા આખરે અજયે ગુમ પત્ની અને બાળકને શોધવા માટે હાઈકોર્ટમાં હેબિયર્સ કોર્પસ દાખલ કરી, અને તે દરમિયાન જ એક ચોંકાવનારો ધડાકો થયો. ગોંડલમાં રહેતા અજયના લગ્ન ના થતાં હોઈ જ્ઞાતિ બહારની કન્યા લાવવા તેના ભાઈએ રમાબેન વ્યાસ નામની મહિલાનો સંપર્ક કર્યો હતો.

આ મહિલાએ તેમની મુલાકાત સોનુ પાયત નામના યુવક સાથે કરાવી હતી, જેણે એવી વાત કરી હતી કે તેની બહેન કુંવારી છે. સોનુએ પોતાની બહેનનું નામ પૂજા જણાવ્યું હતું, જેની સાથે અજયના લગ્ન નક્કી કરાયા હતા.

૧૬ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ પૂજા સાથે લગ્ન થતાં અજયે લગ્ન કરાવનારી રમા, રજિયા તેમજ પોતાને પૂજાના ભાઈ ગણાવનારા સોનુને કુલ ૨.૪ લાખ રુપિયા ચૂકવ્યા હતા, અને લગ્નના થોડા સમયમાં પૂજાએ એક દીકરાને જન્મ આપ્યો હતો.
૭ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ અજય કામેથી ઘરે પરત ફર્યો તો તેણે જોયું કે પૂજા અને તેમનો દીકરો ઘરમાં નહોતા. ૧૩ ડિસેમ્બરે આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી.

જેમાં એવો આક્ષેપ કરાયો હતો કે પૂજાએ દીકરાને જન્મ આપ્યો ત્યારથી રમા, સોનુ અને રજિયા તેમના ઘરે આવીને વધુ ૨૫ હજાર રુપિયા આપવા ધમકી આપી ગઈ હતી. જો રુપિયા ના મળ્યા તો પૂજા અને દીકરાનું મોઢું જોવા નહીં મળે તેવી પણ તેમણે ચિમકી ઉચ્ચારી હતી. ત્યારબાદ અજયની માતાએ પણ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

અજયનો આક્ષપે છે કે આ મામલે ફરિયાદ કરવા છતાં પણ પોલીસે કોઈ કાર્યવાહી નહોતી કરી. પત્ની અને દીકરાની ચિંતા થતાં આખરે પોલીસની નિષ્ક્રિયતાથી કંટાળેલા અજયે ફરિયાદ નોંધાવ્યાના દસ મહિના બાદ હાઈકોર્ટમાં હેબિયર્સ કોર્પસ અરજી કરી હતી.

આખરે આ કેસની તપાસમાં પોલીસ સક્રિય થઈ હતી, જેમાં બહાર આવ્યું હતું કે સોનુ તો પૂજાનો ભાઈ હતો જ નહીં. ખરેખર તો તે પૂજાને અલગ-અલગ વ્યક્તિઓ સાથે પરણાવીને તેમની પાસેથી રુપિયા પડાવતો હતો. તેણે બીજા એક વ્યક્તિ સાથે પૂજાને પરણાવી દીધી હતી. પોલીસને એ પણ જાણવા મળ્યું હતું કે અજય અને સોનુના દીકરાને પણ ૪૦,૦૦૦ રુપિયામાં તમિલનાડુમાં કોઈ દંપતીને વેચી દેવામાં આવ્યો છે.

પોલીસે તાત્કાલિક તમિલનાડુ પહોંચીને બાળકનો કબજો લીધો હતો. આ કેસમાં પૂજાને આરોપી દર્શાવાઈ છે. અજય તરફે કોર્ટમાં અરજી કરનારા વકીલના જણાવ્યા અનુસાર, આરોપીઓ પૂજાના અલગ-અલગ વ્યક્તિઓ સાથે લગ્ન કરાવી રુપિયા પડાવતી ગેંગના સભ્યો છે. પૂજા પણ આ જ ગેંગનો હિસ્સો છે. હેબિયર્સ કોર્પસ અરજી પર મંગળવારે સુનાવણી થવાની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.