લગ્નના બે દિવસ પછી વરરાજાનું મોત, લગ્નમાં આવેલા ૯૫ મહેમાનો કોરોના પોઝિટિવ
પટણા: બિહારની રાજધાની પટનાના એક ગામમાં લગ્ન સમારોહમાં સામેલ થયેલા ૯૫ લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. લગ્નના બે દિવસ બાદ ૩૦ વર્ષીય વરરાજાનું પણ મોત થયું હતું. મરનાર યુવક ગુરુગ્રામમાં સોફ્ટવેર એન્જિનિઅર હતો. જોકે તેના અંતિમ સંસ્કાર પહેલા તેની કોરોના ટેસ્ટ કરવામા આવી ન હતી. તેની અંદર કોરોનાના લક્ષણો દેખાયા હતા.
પટનાના વહીવટીતંત્રને પાલીગંજ ગામમાં યુવકની મૃત્યુ વિશે જાણકારી મળી હતી. ત્યારબાદ યુગલના સંબંધીઓની ટેસ્ટ કરવામા આવી હતી. આ ગામ પટનાથી ૫૦ કિલોમીટર દૂર છે. ૧૫ જૂને લગ્નમાં સામેલ થયેલા ૧૫ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારબાદ વહીવટીતંત્રએ કોન્ટેક્ટ ટ્રેસિંગ શરૂ કર્યું હતું. સોમવારે ૮૦થી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઇ ચૂક્યા હતા. આ બિહારનો પહેલો કેસ છે જેમાં વાયરસ આટલા બહોળા સ્તરે ફેલાયો હોય. જોકે વહીવટીતંત્રએ મરનાર યુવકની ટેસ્ટ કરી ન હતી કારણ કે પરિવારે સરકારને જાણ કર્યા પહેલા જ અંતિમવિધિ કરી નાખી હતી.