Western Times News

Gujarati News

લગ્નના ૧૦ જ દિવસમાં યુવતીને માવતરે પરત મોકલી આપી અને રુપિયા હોય તો જ પાછી આવવા ધમકી આપી

Files Photo

વડોદરાની યુવતીના લગ્ન આંધ્રપ્રદેશમાં થયા હતા-દહેજ ન આપનારી પત્નીને બિભત્સ મેસેજ મોકલ્યા

વડોદરા, છેલ્લા થોડા સમયથી મહિલાઓ પોતાના પર થતા અત્યાચારને લઈને વધુ સજાગ બની છે અને ખુલીને અત્યાચારી સાસરિયા સહિત તમામ લોકો વિરુદ્ધ આવતી થઈ છે. જેના કારણે આપણા સમાજમાં જીવતા આવા રક્ષસોના ચહેરા એક પછી એક સામે આવી રહ્યા છે. ત્યારે વડોદરાની યુવતી સાથે બનેલી ઘટના એટલી તો ઘૃણાસ્પદ છે કે જે જાણીને તમને પણ પ્રશ્ન થશે કે એક પતિ પોતાની જ પત્ની સાથે આવું તો કેવી રીતે કરી શકે.

દહેજની માગ પૂરી ન કરનાર પત્નીનું બોગસ સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી ખુદ પતિએ જ અલગ-અલગ નંબરથી બિભત્સ મેસેજ અને ઓડિયો ક્લિપ બનાવી યુવતીના પિતા સહિત અન્ય સગાઓને મોકલી આપી હતી. આ મામલે પરિણીતાએ બી.ટેક થયેલા પતિ સહિત સાસરીયા સામે વડોદાર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પરિણીતાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, દહેજ ભૂખ્યા સાસરીયાઓની રુપિયા ૨૫ લાખની માગ ન સંતોષતા તેમણે મારી નાખવાની પણ ધમકી આપી હતી. આ સાથે પતિ પણ દહેજના નામે ખૂબ જ મારપીટ કરતો હતો. વિગત મુજબ વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં માતા-પિતા સાથે રહેતી પરિણીતા અલીશા (નામ બદલ્યુ છે)

મહિલા પોલીસ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૭માં આંધ્રપ્રદેશના તેનાલીમાં રહેતા સેમ્યુઅલ કોપ્યુલા સાથે તેના લગ્ન થયા હતા. લગ્ન સમયે પરિવારે સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ તેમજ ઘરવખરી સામાન સહિત વિવિધ ચિજવસ્તુઓ આપી હતી. આ ઉપરાંત સાસુ શિવમ્મા અને નણંદો લાવણ્યા અને સપનાએ પણ યુવતીના પિતા પાસે દહેજ પેટે રુપિયા ૪ લાખ રોકડની માગણી કરી હતી.

જે રકમ પણ પરિવારે મારા સુખી સાંસરીક જીવન માટે આપી હતી. પરિણીતા અલીશાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, લગ્નના પ્રથમ દિવસથી જ પતિ, સાસુ અને નણંદોએ લગ્ન સમયે આપેલા તમામ સોના-ચાંદીના દાગીના પડાવી લીધા હતા. અને જણાવ્યું હતું કે, નવા નવા લગ્ન થયા છે. તારે હમણાં દાગીનાની જરૂર નથી અને તું હવે અમારા ઘરની વહુ બની ગઇ છે અને ગામડું છે, તારે દાગીના રાખવાની જરૂર નથી.

આ દરમિયાન પતિ સેમ્પ્યુઅલ પણ દરરોજ ઘરે પરત ચિક્કાર દારૂના નશામાં આવ્યો હતો અને માર મારતો હતો. ફરિયાદમાં એમ પણ જણાવ્યું હતું કે, પતિ, સાસુ અને નણંદોએ લગ્ન બાદ જેમ દિવસો પસાર થતાં તેમ તેઓની દહેજની માગણી વધતી જતી હતી. તેઓએ જણાવ્યું કે અમારા સેમ્યુઅલે બી.ટેક. એન્જિનિયરિંગનો અભ્યાસ વિશાખાપટ્ટનમ જેવા વિખ્યાત શહેરમાં કર્યો છે.

અમે જેટલું દહેજ માગીએ તેટલું આપવાવાળી છોકરી મળી શકતી હતી. પરંતુ તારા બાપે ફક્ત રુપિયા ૪ લાખ આપ્યા છે. તેનાથી કશું થશે નહીં. અમને રુપિયા ૨૫ લાખ જાેઇએ છે તારા ઘરેથી લઇ આવ. તેમ જણાવી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પરિણીતા અલીશાએ રુપિયા ૨૫ લાખ પિયરમાંથી લાવવાનો ઇન્કાર કરતા પતિ તથા સાસરીયાઓએ લગ્નના ૧૦ દિવસમાં જ પિયર વડોદરા મોકલી આપી હતી.

વડોદરામાં ત્રણ માસ રહ્યા બાદ યુવતીના પિતાએ દીકરીના સાંસારીક જીવન માટે દિલ્હી ખાતે મોટી કંપનીમાં નોકરી કરતા પતિ સેમ્યુઅલ પાસે મોકલી આપી હતી. જાેકે દિલ્હીમાં આવ્યા બાદ પણ પતિ દ્વારા ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું. પતિને જેમ તેની માતા અને બહેનો કહે તેમ જ કરતો હતો અને પરિણીતાને ત્રાસ આપતો હતો.

આ દરમિયાન યુવતી ગર્ભવતી બની ગઈ હતી. જાેકે તેમ છતાં પતિ તથા તેની માતા અને બહેનો દહેજના રુપિયા અથવા છૂટાછેડા તેમ કહીને દબાણ શરુ કર્યું હતું. પતિ અસભ્ય ભાષા બોલતો અને કહેતો કે તું જાે રુ. ૨૫ લાખ પિયરમાંથી લાવી ન શકતી હોય તો ધંધો કર મને કોઈ વાંધો નથી બસ રુપિયા લઈ આવ.

પુત્રના જન્મ પછી પણ પતિ અને સાસરીયાઓએ ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું. છેવટે પરિણીતાએ વડોદરાના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલા પોલીસે અલીશાની ફરિયાદના આધારે આંધ્રપ્રદેશમાં રહેતા પતિ સેમ્યુઅલ કોપ્યુલા, સાસુ શિવમ્મા કોપ્યુલા , બંને નણંદો લાવણ્યા કોપ્યુલા અને સપના કોપ્યુલા સામે દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.