Western Times News

Gujarati News

લગ્નના ૭મા દિવસે પતિએ પત્ની તું ગમતી નથી કહી દીધું

પ્રતિકાત્મક

પતિ પત્નીને કહેતો તું તારા બાપના ઘરેથી પાંચ કરોડ લઇ આવે તો તને રાખીશ, બાકી તારી જિંદગી નરક બનાવી દઇશ

ભાવનગર, ભાવનગરમાં લગ્નજીવન હજી એક વર્ષ પણ પૂર્ણ થયું ન હતું, માત્ર નવ મહિનામાં જ પરિણીતાને પિતાના ઘરેથી પાંચ કરોડ રૂપિયા લઇ આવવા બાબતે પતિ અને સાસરિયા દ્વારા અવારનવાર શારીરિક-માનસિક ત્રાસ આપવામાં આવતા મહિલાએ કંટાળીને પતિ અને સાસુ સહિત સાસરિયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. એક સમયે મહિલાની વ્યથા સાંભળીને પોલીસ પણ ચોંકી ગઇ હતી.

ભાવનગર શહેરના કાળુભા રોડ પર આવેલા આરતી પેલેસ પાસે રહેતી મહિલાના લગ્ન ગત જૂન-૨૦૨૦માં શહેરના વિરમ નામના યુવક સાથે થયા હતા. પરિણીતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, લગ્ન થયાનાં સાત દિવસ સુધી મારા પતિએ મને સારી રીતે રાખી હતી. જુલાઇ-૨૦૨૦માં મને મારા પતિએ કહ્યું કે, ‘તું મને ગમતી નથી, જ્યારે મારા સાસુ મને કહેતાં કે, અને તારાથી કંટાળી ગયા છીએ.

મહિલાએ પોતાની ફરિયાદ લખ્યું છે કે, મને ઘરકામ બાબતે મારા સાસુ અવારનવાર મ્હેંણા-ટોણા મારી કહેતા કે, તને ઘરકામ કરતાં નથી આવડતું. તારા પિતાએ તને કંઇ આપ્યુ નથી. આ ઉપરાંત મારા સાસુ મારા પતિની ચડામણી કરી પતિ પાસે મને માર ખવડાવતા હતા.અનેકવાર મને ઢોરમાર મારતા હતા. આખરે હું કંટાળીને પિતાને ત્યાં ગઇ હતી. મારા પિતાના કહેવાથી હું સાસરીએ પાછી આવતી હતી.

મહિલાના પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, જ્યારે સાસરીમાં હું જમવા બેસતી ત્યારે મારી થાળી ખેંચી લેતા હતા, મને જમવાનું આપતા ન હતા. એ લોકો જમવાની પણ ગણતરી કરતાં હતા. મારા પતિએ મને મારા પિતાના ઘરેથી પાંચ કરોડ રૂપિયા લઇ આવવા માટે કહ્યું હતું. સાથે મને કહ્યુ હતુ કે, તું તારા બાપના ઘરેથી પાંચ કરોડ લઇ આવે તો તને રાખીશ, બાકી તારી જિંદગી નરક બનાવી દઇશ.

આવું ઘરમાં રોજ ચાલતું હતું. મહિલાએ ફરિયાદમાં વધુમાં લખ્યું છે કે, પાંચમી એપ્રિલ, ૨૦૨૧ના રોજ રાત્રે મને ઢોરમાર માર્યો હતો. આખરે મેં કંટાળીને ૧૦૦ નંબર ડાયલ કરીને પોલીસની ગાડી બોલાવી હતી. પોલીસે પડિત મહિલાની સંપૂર્ણ સાંભળ્યા બાદ તેને નીલમબાગ પોલીસ સ્ટેશન લઈ ગઇ હતી. આ મામલે મહિલાએ પોતાના પતિ સહિત સાસરિયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલાને ન્યાય મળે તે માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.