Western Times News

Gujarati News

લગ્નની વાતોથી કંટાળી ચારેય બહેનો ઘરેથી ભાગી ગઈ

૮ ફેબ્રુઆરીએ ઘરેથી નીકળી ગઈ -દંતેશ્વર વિસ્તારમાં રહેતી અને ઘરેથી ભાગી ગયેલી એક જ પરિવારની ચાર છોકરીઓને પોલીસે શોધી કાઢી હતી

વડોદરા, શહેરના દંતેશ્વર વિસ્તારમાં રહેતા પરિવારની ચાર દીકરીઓ ઘરમાં ચાલી રહેલી લગ્નની વાતથી કંટાળીને ઘરેથી ભાગી મુંબઈ જવા માટે નીકળી પડી હતી. જાે કે, તેઓ મુંબઈ પહોંચે તે પહેલા જ શહેર પોલીસે ચારેય છોકરીઓને અમદાવાદથી શોધીને પરિવારને સોંપી હતી.

ઘરેથી નીકળેલી ચારેય બહેનો હેમખેમ પરત આવતા પરિવારે પણ હાશકારો અનુભવ્યો હતો. દંતેશ્વર વિસ્તારમાં રહેતા પરિવારની ચારેય બહેનો ૮ ફેબ્રુઆરીએ બપોરના સમયે કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી. આ અંગે પરિવારના સભ્યોને જાણ થતાં તેમણે શોધખોળ શરુ કરી હતી. જાે કે, તેમનો કોઈ પત્તો લાગ્યો નહોતો.

જેથી તેમણે આ અંગે મકરપુરા પોલીસના અધિકારીઓને જાણ કરી હતી. મામલાની ગંભીરતાને જાેતા ડીસીપી ડો. કરણરાજસિંહ વાઘેલા, એસીપી એસ.બી. કુંપાવત, પોલીસ ઈન્સપેક્ટર આર.એ. પટેલે તાત્કાલિક ૩ ટીમો બનાવીને છોકરીઓની શોધખોળ શરુ કરી હતી. છોકરીઓને શોધવા માટે પોલીસે સૌથી પહેલા સીસીટીવી કેમેરા ચકાસ્યા હતા. જાે કે, છોકરીઓ ઘરે જ મોબાઈલ ફોન મૂકીને ગઈ હોવાથી પોલીસનું તેમના સુધી પહોંચવું થોડું મુશ્કેલ હતું.

એક છોકરીના મોબાઈલમાં રેકોર્ડિંગ સાંભળીને પોલીસે તે નંબર પર ફોન કરીને યુવકની પૂછપરછ કરી હતી. પોલીસ તેમને શોધી રહી છે તે વાત છોકરીઓ સુધી પહોંચી ગઈ હતી. આ દરમિયાન, ચારમાંથી એક છોકરીએ પોતાની પાસે રહેલા ફોનમાંથી ઘરે મમ્મીને કોલ કર્યો હતો અને કહ્યું હતું કે, તેઓ ફસાઈ ગયા છે અને પાછી આવી શકે તેવી સ્થિતિમાં નથી. આ નંબર અને કોલ પોલીસ માટે મહત્વનો સાબિત થયો હતો.

પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે નંબરને ટ્રેસ કરતાં કાલુપુર રેલવે સ્ટેશનનું લોકેશન મળ્યું હતું. ચોક્કસ લોકેશન મળતા જ મકરપુરા પોલીસે કાલુપુર પોલીસનો સંપર્ક કર્યો હતો. જેથી, છોકરીઓ મુંબઈ જવા માટે ટિકિટ કઢાવે તે પહેલા જ પોલીસે તેમને શોધી કાઢી હતી.

જ્યાં પૂછપરછ કરતાં ચારેયે જણાવ્યું હતું કે, ઘરમાં લગ્ન કરવવાની વાત ચાલે છે અને તેમને લગ્ન કરવા નથી. તેથી મુંબઈ જઈને નોકરી કરવા માટે ઘર છોડી દીધું હતું. આ દરમિયાન વડોદરા પોલીસ માતા-પિતાને લઈને કાલુપુર રેલવે સ્ટેશન પહોંચી હતી અને ચારેય છોકરીઓને સહી સલામત પરિવારને સોંપવામાં આવી હતી.

પરિવારને તેમની દીકરીઓ મળી જતાં તેમણે મકરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આર.એ. પટેલ, હેડ કોન્સ્ટેબલ જીગ્નેશભાઈ તથા તુલસીદાસભાઈ અને અમદાવાદ રેલવે પોલીસના સબ ઈન્સપેક્ટર આરકે વાણીયા તથા સમગ્ર ટીમનો આભાર માન્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.