લગ્નની સીઝન અને વેકેશન શરૂ થતાં ખાનગી જીપોનાં સ્પેશીયલ વર્ધીનાં ભાડાં વધ્યાં
સાબરકાંઠા-અરવલ્લી જીલ્લામાં એસ.ટી. બસ-ખાનગી વાહનોને તડાકો
બાયડ, સાબરકાંઠા-અરવલ્લી જીલ્લામાં લગ્નની સીઝનમાં શાળા મહાશાળાઓમાં ઉનાળું વેકેશન શરૂ થતાં બસ મથકોમાં મુસાફરોની અવરજવર વધતાં એસ.ટી ને કમાણીનો તડાકો પડયો છે. જયારે ખાનગી વાહનોને પણ લગ્નોની વર્ધીઓ મળતાં કેટલાક વિસ્તારોમાં જીપનાં ભાડાંના દર પણ વધારી દેવાયાનું જાણવા મળ્યું છે.
જીલ્લામાં અખાત્રીજથી લગ્નસરાની સીઝન શરૂ થતાં જીલ્લો લગ્નોમાં ગળાડૂબ થયો છે જયારે શાળા મહાશાળાઓમાં ૩પ દિવસના ઉનાળુ વેકેશનમાં પ્રવાસની સીઝન પણ શરૂ થતાં સ્વાભાવિક રીતે જ વાહનોમાં મુસાફરોની અવરજવરમાં મોટો વધારો થયો છે.
જીલ્લામાં એસ.ટી. બસ મથકોમાં પણ મુસાફરોની સંખ્યામાં નોધપાત્ર વધારો થતાં અંતરીયાળ ગામોની બસો પણ મુસાફરોની ભારે ભીડ જાેવા મળી રહી છે. તે જ રીતે ખાનગી વાહનોમાં પણ મુસાફરોની અવરજવર વધતાં વાહનચાલકોને કમાણીની સીઝન શરૂ થઈ છે.
જીલ્લામાં વેકેશન શરૂ થતાં જ અનેક પરીવારોએ પ્રવાસના સ્થળોએ ફરવા જવાનું નકકી કરી લીધું છે. અને મોટા ભાગના પરીવારો ખાનગી જીપો જ ભાડે કરીને પ્રવાસે જતા હોવાથી આ વખતે ડીઝલના ભાવ વધારાને કારણે જીપનાં ભાડાં વધારી દેવામાં આવ્યાં છે.
જીલ્લામાં અખાત્રીજના વણજાેયા મુહુર્તથી એસ.ટી. અને ખાનગી વાહનો માટે એક મહીના સુધી શુભ દિવસો શરૂ થયા હોય તેમ મુસાફરોનો તડાકો પડવાથી એસ.ટી.ની આવકમાં વધારો થયો છે. જયારે ખાનગી વાહન ચાલકોને પણ સામાન્ય દિવસ કરતાં મુસાફરોની વધુ કમાણી થતી હોવાનું દેખાઈ રહયું છે.
જીલ્લાના બાયડ, મોડાસા, હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા, માલપુર સહીતના વિસ્તારોમાં લગ્નસરાની સીઝન પુરજાેશમાં શરૂ થતાં છેલ્લા કેટલાક દિવસોથી એસ.ટી.ની આવકમાં પણ નોધપાત્ર વધારો થયાનું દેખાઈ રહયું છે. અને અંતરીયાળ ગામડાઓમાં દોડતી એસ.ટી. બસોમાં મુસાફરોની ભારે ભીડ રહેતી હોવાથી મુસાફરો ખાનગી વાહનોના આશરો લઈ રહયા છે.
પરંતુ વેકેશન અને લગ્નોની સીઝનમાં ખાનગી વાહનોમાં પણ બેસવાની જગ્યા મળતી ન હોવાથી અસંખ્ય મુસાફરોને ખાનગી વાહનોમાં લટકીને મુસાફરી કરવી પડે તેવા દિવસો શરૂ થયા છે.