લગ્નનું વચન આપી શોષણ કર્યાનો મહિલાનો આક્ષેપ
જયપુર:ઉદયપુર ખાતે ભાજપ ધારાસભ્ય પ્રતાપ લાલ ભીલ સામે બળાત્કારનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. મહિલાએ ફરિયાદ દાખલ કરી છે કે ધારાસભ્ય લગ્નનું ખોટું વચન આપીને તેણી પર બળાત્કાર ગુજારતા રહ્યા હતા. ભીલ હાલમાં રાજસ્થાનની ગોગુન્ડા બેઠક પરથી ધારાસભ્ય છે. મળતી માહિતી પ્રમાણ મધ્ય પ્રદેશના નીમુચની એક મહિલાએ ધારાસભ્ય સામે પોલીસ ફરિયાદ આપી છે. મહિલાએ દાવો કર્યો છે કે ધારાસભ્ય લગ્ન કરી લેવાનું ખોટું વચન આપીને તેણીનું શારીરિક શોષણ કરી રહ્યા હતા.
મહિલાએ દાવો કર્યો છે કે થોડા વર્ષો પહેલા ધારાસભ્ય એક સામાજિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે નીમુચ આવ્યા હતા. આ દરમિયાન બંનેની મુલાકાત થઈ હતી. મહિલાએ ફરિયાદમાં કહ્યું છે કે નીમુચ ખાતે પ્રથમ વખત મળ્યા બાદથી અમે અવારનવાર મળતા હતા. અનેક પ્રસંગોએ અમે મળ્યાં છીએ. આ દરમિયાન બીજેપી ધારાસભ્યએ પોતાનું લગ્ન જીવન ભાંગી પડ્યું હોવાની વાત કરી હતી. મહિલાએ દાવો કર્યો છે કે ભીલે તેણીને એવું જણાવ્યું હતું કે, તેના લગ્ન જીવનમાં બધું બરાબર નથી ચાલી રહ્યું.
તેઓ પોતાના લગ્ન જીવનથી બિલકુલ સંતુષ્ઠ નથી. મહિલાના કહેવા પ્રમાણે ભીલ તરફથી તેણી સમક્ષ લગ્ન માટે અનેક વખત પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. જે બાદમાં ધારાસભ્ય પોતાના પરિવારની સહમતિ મેળવી લેશે અને લગ્ન કરશે તે શરતે તેણીએ લગ્નનો પ્રસ્તાવ સ્વીકાર્યો હતો. મહિલાએ દાવો કર્યો છે કે એક પ્રસંગે ભીલે તેણીને ઉદયપુર આવવા કહ્યું હતું.
સાથે જ તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેમના પરિવાર તરફથી સહમતિ મળી ગઈ છે. ધારાસભ્ય મહિલાને એક પેલેસ ખાતે લઈ ગયા હતા, અહીં મહિલાની મરજી વિરુદ્ધ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ દરમિયાન ધારાસભ્યએ એવું જણાવ્યું હતું કે આપણા લગ્નનો રસ્તો સાફ થઈ ગયો છે. મહિલાનું કહેવું છે કે, આ બનાવ બાદ જ્યારે તેણીએ ભીલનો ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ભીલની પત્ની હોવાનો દાવો કરનારી એક મહિલાએ ફોન ઉપાડ્યો હતો અને તેણીને ભીલથી દૂર જ રહેવાનું જણાવ્યું હતું. જાે આવું નહીં કરે તો તેના માઠા પરિણામ આવશે તેવી ધમકી પણ આપી હતી.