લગ્નપ્રસંગોમાં કોરોના સંબધિત નિયમો તોડનારાઓ ચેતી જજો
લગ્નપ્રસંગોમાં મામલતદારની આગેવાનીમાં તાલુકા કક્ષાની ટીમ દ્વારા કરાઇ રહી છે કડક કાર્યવાહી
દાહોદ : જિલ્લામાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યાં છે, બીજી તરફ લગ્નની સિઝન પણ ચાલી રહી છે ત્યારે આ સંબધિત સરકારના નિયમો તોડી રહેલા લોકોને ચેતી જવાની જરૂર છે. જિલ્લામાં લગ્નપ્રસંગોમાં નિયત સંખ્યાથી વધુ લોકોને ભેગા કરીને મોડી રાત સુધી ડીજે વગાડતા લોકો સામે મામલતદારશ્રીની આગેવાનીમાં તાલુકા કક્ષાની ટીમ બનાવીને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
લગ્ન પ્રસંગોમાં અત્યારે સરકારની ગાઇડ લાઇન મુજબ સો માણસોની જ પરવાનગી આપવામાં આવી છે. ઉપરાંત ડીજે સંચાલકો રાતના ૧૦ વાગ્યા સુધી જ નિયત ડેસીબલમાં જ ડીજે વગાડવાનું હોય છે. પરંતુ આ નિયમોનો ભંગ થઇ રહ્યો હોય તેવું જણાતા તાલુકા કક્ષાએ મામલતદારની આગેવાનીમાં એક ટીમ બનાવવામાં આવી છે.
જેમાં પોલીસ ઇન્સ્પેકટર, પોલીસ સબ ઇન્સ્પેકટર, મોટર વાહન નિરીક્ષક વગેરેનો પણ સમાવેશ થાય છે. આ ટીમ દ્વારા લગ્ન પ્રસંગોની મુલાકાત લઇ નિયમોનો ભંગ ન થાય તે જોવાનું છે. સાથે જો નિયમો ભંગ થતો હોય તો કડક કાયદેસરની કાર્યવાહી કરવાની પણ તેમને સત્તા આપવામાં આવી છે. અત્યારે દરેક તાલુકામાં લગ્નપ્રસંગના સ્થળની મુલાકાત લઇ આ ટીમ દ્વારા તપાસ કરવામાં આવે છે. અને ડીજે કે કોવીડ સંબધિત કોઇ પણ નિયમોનો ભંગ થતો હોય તો કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કલેક્ટર શ્રી વિજય ખરાડીએ બે દિવસ અગાઉ જ જિલ્લાના ડીજે સંચાલકોને પણ આ સંદર્ભે એક બેઠક યોજીને નિયમોનો ચુસ્ત અમલ કરવા જણાવ્યું હતું.