લગ્નમાં આમંત્રણ નહીં આપો તો પણ પોલીસ મહેમાન બનશે

વલસાડ: વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણ ને કાબુમાં લેવા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની સાથે હવે પોલીસ પણ મેદાને આવી છે. વલસાડ જિલ્લા પોલીસે જિલ્લાના તમામ વિસ્તારોમાં જ્યાં લગ્ન પ્રસંગો યોજાઇ રહ્યા છે કે યોજાનાર છે.. તેના પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. સરકારના નિયમ મુજબ લગ્ન પ્રસંગમાં માત્ર ૫૦ જ વ્યક્તિઓ હાજર રહી શકે તે સહિત લગ્નપ્રસંગમાં પણ માસ્ક પહેરવા સેનેટાઇઝરનો ઉપયોગ અને સોશિયલ ડિસ્ટન્સના પણ પાલન સહિતની તમામ રીતે નિયમોનું પાલન થાય છે કે કેમ? તેના પર પોલીસ ચાંપતી નજર રાખી રહી છે.
વલસાડ જિલ્લા પોલીસ જિલ્લાના ડીજે સંચાલકો, મંડપ સંચાલકો, મેરેજ હોલ, પાર્ટી પ્લોટ અને ને મહારાજ લગ્ન કરાવતા હોય તેમની સાથે પણ સંપર્ક રાખી રહી છે અને જિલ્લામાં આગામી સમયમાં યોજાનાર આ લગ્નના મુહૂર્ત અંગે પણ માહિતી એકઠી કરી છે.
સાથે જ પ્રિન્ટીંગ પ્રેસ સંચાલકો પાસેથી લગ્નની છપાવવામાં આવનાર કંકોત્રીઓની પહેલી કોપી પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના પણ આદેશ આપવામાં આવ્યા છે. આમ આપ પોલીસને લગ્નનું આમંત્રણ આપો કે ના આપો પણ પોલીસ સામે ચાલીને લગ્નમાં મહેમાન બનશે અને જાે નિયમોનું પાલન નહીં થતું હોય તો લગ્ન પ્રસંગ વખતે પણ પોલીસ કડક કાર્યવાહી કરી શકે છે.
આવા સંકેતો વલસાડ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ આપી રહ્યા છે. જિલ્લામાં જ્યાં લગ્ન યોજાનાર છે તેની તારીખ અને મુહુર્ત ની જાણ થતાં જ લગ્નના આગળના દિવસે વલસાડ પોલીસ ની ટીમ જે પરિવારમાં લગ્ન છે ત્યાં જશે અને તેમને લગ્નમાં કોરોના સંક્રમણ અટકાવવા અને સરકારની તમામ એસ.ઓ.પી ને સમજાવવામાં આવશે. આ સાથે કડક ચેતવણી પણ આપવામાં આવશે કે જાે લગ્નના આયોજક દ્વારા કે યજમાન પરિવાર દ્વારા નિયમોનું પાલન કરવામાં નહીં આવે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી પણ થઇ શકે છે.
આવી ચીમકી પણ પોલીસ ઘરે જઈને આપી રહી છે. આમ અત્યારે વલસાડ જિલ્લા પોલીસ પણ હવે જિલ્લામાં સંક્રમણ ને અટકાવવા સાથે સરકારના તમામ નિયમોનું કડકાઇથી પાલન કરાવવા માટે ચાંપતી નજર રાખી રહી છે. જાેકે પોલીસ ની વિશેષ નજર અત્યારે લગ્ન પ્રસંગો પર છે. આમ જાે હવે વલસાડ જિલ્લામાં પોલીસને લગ્નનું આમંત્રણ આપો કે ના આપો પોલીસ સામે ચાલીને મહેમાન બની શકે છે. આમ જાે હવે લગ્ન પ્રસંગમાં ૫૦ વ્યક્તિઓ થી વધુની હાજરી હશે કે. જાહેર ભોજન સમારંભો કે મોટા ડીજે પાર્ટીઓ કે સંગીત પાર્ટી રાખવામાં આવશે કે વરઘોડો કાઢવામાં આવશે તો. પોલીસ લગ્ન પ્રસંગમાં એ જ વખતે યજમાન પરિવાર ને કાયદાનું ભાન કરાવશે.