લગ્નમાં આવેલા ૩૭ જાનૈયા જુગાર રમતાં ઝડપાઈ ગયા
મહેસાણા: મહેસાણા જિલ્લાના વડનગર નજીક આવેલા રહેણાંક વિસ્તારમાં હાલમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં ૩૭ શખ્સો જુગાર રમતાં હતા. આ અંગેની બાતમી વડનગર પોલીસ મથકના પીએસઆઈ જેટી પંડ્યાને મળતાં તેમણે પોલીસ ટીમ સાથે આ સ્થળે દરોડા પાડ્યા હતા. પોલીસને આવેલી જાેઈને જુગાર રમતા જાનૈયાઓમાં નાસભાગ મચી હતી. વડનગર પોલીસે રોકડ, મોબાઈલ સહિત ૫.૫૦ લાખના મુદ્દામાલ સાથે ૩૭ જેટલા જુગારીઓની અટકાયત કરી તેમની સામે જુગાર ધારા મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
વડનગર નજીક આવેલા ખોખા ગણપતિ નામના રહેણાંક વિસ્તારમાં હાલમાં લગ્ન પ્રસંગે જાન આવી હતી. જેમાં જાનૈયાઓ તરીકે આવેલા કેટલાક શખ્સો એકઠા થઈને ટાઈમપાસ માટે જુગાર રમી રહ્યા હોવાની બાતમી સ્થાનિક પોલીસને મળી હતી. પોલીસ મથકના પીએસઆઈ જેટી પંડ્યાએ બાતમીના આધારે સ્ટાફ સાથે જઈને દરોડા પાડ્યા હતા.
ત્યારે ૩૭ જેટલા શખ્સો પોતાના આર્થિક ફાયદા માટે જુગાર રમી રહ્યા હતા. પોલીસને આવેલી જાેઈને આ શખ્સોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તમામને પોલીસે ઝડપી લીધા હતા. વડનગર પોલીસે આ ૩૭ શખ્સો પાસેથી રોકડ, મોબાઈલ, જુગાર સાહિત્ય સહિત રૂપિયા ૫.૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ત્યારબાદ પોલીસ પકડેલા તમામ શખ્સોને વડનગર પોલીસ મથકે લઈ ગઈ હતી
જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, પોલીસની કાર્યવાહી દરમિયાન કેટલાક લોકોએ મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો. પરંતુ વડનગર પોલીસ મથકના પીએસઆઈના કડક વલણથી મધ્યસ્થી કરવા આવેલા લોકો પાછા પડ્યા હતા.