લગ્નમાં દારૂડિયા વરરાજાએ રોફ બતાવતાં કન્યા જતી રહી

Files Photo
પ્રયાગરાજ: લગ્નમંડપમાં દારુડિયા વરરાજાએ વધારે પડતો રોફ બતાવતા છોકરીવાળાએ તેને જબરો પાઠ ભણાવ્યો હોવાનો એક કિસ્સો યુપીમાં બન્યો છે. અહીંના પ્રતાપગઢમાં એક લગ્નમાં નશાની હાલતમાં રહેલા વરરાજા અને જાનૈયાએ દુલ્હન સાથે ડાન્સ કરવો છે તેવી વિચિત્ર માગણી કરતા છોકરીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. પોતાનું અપમાન સાંખી ના શકેલી છોકરી ચોરીમાંથી ઉઠીને ચાલતી થઈ ગઈ હતી.
હવે આ લગ્ન થઈ શકે તેમ નથી તેવું લાગતા છોકરીવાળાએ વરરાજા અને જાનૈયાને બંધક બનાવી દીધા હતા. છોકરીના પરિવારવાળાએ ડિમાન્ડ કરી હતી કે લગ્ન નક્કી થયા તે વખતે દહેજમાં જે રોકડા અને સામાન આપ્યો હતો તે પાછો આપો તો જ તમને અહીંથી જવા દઈશું. છોકરીવાળાનું આ રુપ જાેઈ છોકરાવાળા પણ ઘડીક તો ટેન્શનમાં આવી ગયા હતા. તેમણે સમાધાન માટે પ્રયાસ કર્યા હતા, પરંતુ છોકરીવાળા ટસના મસ થવા તૈયાર નહોતા.
બીજી તરફ, આ મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. લગ્નસ્થળે પહોંચેલી પોલીસને વરરાજાના પરિવારજનોએ મધ્યસ્થી કરી મામલો થાળે પાડવા માટે આજીજી કરી હતી. જાેકે, વરરાજાના વર્તનથી છોકરીનો ઈગો એવો હર્ટ થયો હતો કે તે લગ્ન માટે કોઈ સંજાેગોમાં તૈયાર નહોતી. લાંબી માથાકૂટ બાદ આખરે છોકરાવાળા દહેજમાં લીધેલા રુપિયા અને સામાન પરત આપવા તૈયાર થયા ત્યારપછી જ તેમને જવા દેવામાં આવ્યા હતા.
આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી શ્રવણકુમાર સિંહે જણાવ્યું હતું કે, તિકરી ગામમાં એક ખેડૂતે કોરોના કરફ્યૂ દરમિયાન પોતાની દીકરીના લગ્નનું આયોજન કર્યું હતું. નજીકના ગામમાંથી જ જાન આવી હતી. જાનના સ્વાગત માટે પણ તમામ વ્યવસ્થા કરાઈ હતી. જાેકે, વરરાજા અને જાનૈયા દારુ પીને આવ્યા હતા. શરુઆતમાં તો છોકરીવાળાએ તેમની હરકતો નજરઅંદાજ કરી હતી, પરંતુ વરમાળા પહેરાવવાનો સમય આવ્યો ત્યારે વરરાજાએ જીદ પકડી હતી કે તે દુલ્હન સાથે પહેલા ડાન્સ કરશે, પછી જ વિધિ આગળ વધશે. જાેકે, દુલ્હને તેના માટે ઘસીને ના પાડી દીધી હતી.
જેના કારણે વરરાજા ગુસ્સે ભરાયો હતો અને તેણે હોબાળો મચાવ્યો હતો. જાનૈયા પણ તેની સાથે જાેડાઈ ગયા હતા અને થોડીવારમાં તો લગ્નમંડપમાં બૂમાબૂમ શરુ થઈ ગઈ હતી. આ બધી બબાલ વચ્ચે દુલ્હને ચોરીમાંથી ઉભા થઈને ચાલતી પકડી હતી.
પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે છોકરાવાળાએ સમાધાન કરાવવા માટે આજીજી કરી હતી. જાેકે, છોકરીવાળા તેના માટે તૈયાર નહોતા. તેઓ એક જ વાત પર અડી રહ્યા હતા કે લગ્ન નક્કી થયા ત્યારે જે રોકડ અને ભેટ આપવામાં આવી હતી તે પહેલા પાછી અપાય, પછી જ જાનને પરત જવા દેવાશે. આખરે, છોકરાવાળા તેના માટે તૈયાર થયા ત્યારપછી આ મામલો થાળે પડ્યો હતો.