લગ્નમાં મોસાળુ કરી ઘરે આવી રહેલો પરિવાર બન્યો કાળનો કોળિયો, 7ના મોત
રાજ્ય સહિત દેશભરમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. જેમ જેમ વાહનોની સંખ્યા વધી રહી છે તેમ તેમ માર્ગ અકસ્માતની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. વાહન ચાલકની એક નજીવી ભૂલ કમોતે મોતનું કારણ બની જાય છે. આવી જ વધુ એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના વડોદરાથી સામે આવી રહી છે. જેમાં સાત લોકોના કરૂણ મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના પાદરાના રણું મહુવડ રોડ પર ટ્રક અને છોટા હાથી વચ્ચે મોડી સાંજે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 7 લોકોના સ્થળ પર જ મોત થયાની માહિતી મળી રહી છે. જ્યારે અન્ય 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
અકસ્માત એટલો જબરદસ્ત હતો કે, છોટા હાથીના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા, અને તેમાં સવાર લોકોના મોત થયા છે. મેઈન રોડ પર અકસ્માત સર્જાતા થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. ઘાયલોને તત્કાલિન નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, આજે ઘરની દીકરીના ઘરે લગનનો પ્રસંગ હોવાથી પરિવાર સહિત સંબંધીઓને લઈ મોસાળુ કરવા ગયેલા પરિવારને અકસ્માત નડ્યો છે. અકસ્માતમાં મરનારાઓમાં મોટાભાગના લોકો નજીકના પરિવારના સંબંધીઓ જ હોવાની માહિતી મળી રહી છે.