લગ્નમાં ૨૦૦ મહેમાનોની છૂટછાટ મળે તેવી શક્યતા
અમદાવાદ: ગુજરાતમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસમાં સતત વધારો થયો હતો. જેને લઈને રાજ્ય સરકારે ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂ જાહેર કર્યું હતું. સૌથી પહેલા રાત્રિ કર્ફ્યૂનો સમય રાતે ૯ વાગ્યાથી ૬ વાગ્યા સુધીનો હતો.
જે બાદ તેમાં થોડી રાહત આપતાં કર્ફ્યૂ ૧૪ જાન્યુઆરી સુધી રાતે ૧૦ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધીનું કરવામાં આવ્યું. આજે ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂની મુદ્દત પૂરી થઈ રહી છે ત્યારે સરકાર દ્વારા ફરીથી આ અંગેનો ર્નિણય લેવામાં આવશે.
મળેલી માહિતી પ્રમાણે, રાત્રી કર્ફ્યૂ લંબાવાય તેવી પૂરેપૂરી શક્યતા છે. રાત્રી કર્ફ્યૂ બાદ રાજ્યમાં કોરોનાના કેસમાં થોડો ઘટાડો જાેવા મળ્યો છે. તેથી રાજ્ય સરકાર આ સમયમાં મહદ્દઅંશે રાહત આપી શકે છે. મહાનગરોમાં હાલ જે ૧૦ વાગ્યા સુધીનો કર્ફ્યૂ છે તેમાં એક કલાકનો વધારો એટલે કે ૧૧ વાગ્યા સુધીની છૂટ મળી શકે છે. મહામારીને ધ્યાનમાં રાખીને લગ્ન પ્રસંગમાં હાલ માત્ર ૧૦૦ મહેમાનોને આમંત્રિત કરવાની મંજૂરી છે.
ત્યારે નવા આદેશમાં સરકાર કોરોનાની ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે લગ્નમાં ૨૦૦ મહેમાનોને બોલાવવાની મંજૂરી આપે તેવી પણ શક્યતા છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે ત્યારે સરકાર દ્વારા છૂટ આપવામાં આવી શકે છે. આ અંગેનો ર્નિણય મુખ્યમંત્રી વિજય રુપાણીની અધ્યક્ષતાવાળી હાઈલેવલની કમિટીમાં લેવાશે. રાત્રી કર્ફ્યૂમાં છુટછાટ આપવા હોટેલ-રેસ્ટોરાં એસોસિએશને પણ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી છે. ત્યારે સરકાર શું ર્નિણય લેશે તેના પર સૌની નજર છે.