લગ્ન કરવા પહોંચેલી દુલ્હન, દલાલને પોલીસે ઝડપી લીધાં
રાજકોટ: દીકરાના મોહમાં સમાજમાં ધીમે ધીમે દીકરાઓની સામે દીકરીઓની સંખ્યા ઘટી રહી છે. અનેક સમાજ અને વિસ્તારોમાં હાલત એવી છે કે અનેક યુવકોને લગ્ન માટે કન્યા નથી મળી રહી. આ જ કારણે યુવકોનાં લગ્ન માટે દૂર દૂરથી અજાણી કન્યા અને પરિવારમાં લોકો લગ્ન કરવા મજબૂર બને છે. જાેકે, આમાંથી મોટાભાગના કિસ્સામાં યુવતી થોડો સમય સાથે રહ્યા બાદ રૂપિયા અને ઘરેલા લઈને ભાગી જતી હોય છે.
આવા જ એક કિસ્સમાં ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં લગ્ને-લગ્ને કુંવારી લૂંટેરી દુલ્હન આજે સવારના સમયે એક યુવક અને તેના મળતિયાઓ સાથે વાજતે-ગાજતે લગ્ન કરવા પહોંચી ગઈ હતી, પણ વરરાજાને તેની પોલ અંગે પહેલેથી જ જાણ થઇ જતાં તેણે પોલીસને જાણ કરી દીધી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી લૂંટેરી દુલ્હન, દલાલ મહિલા સહિતની ટોળકીને પકડી લીધી હતી.
ઉના પોલીસમાં નોંધવામાં આવેલી એફઆઈઆર અનુસાર ઉના તાલુકાના તાલુકાના નાળિયેરી મોલી ગામે રહેતા રમેશભાઇ હરિભાઇ રાખોલિયાના એકના એક પુત્ર હિતેશ (ઉં. ૩૦)ના લગ્ન કરાવવાના હોઇ તેમણે બાજુના કાકડીમોલી ગામે રહેતા વિનુભાઇ રણછોડભાઇ રાઠોડને વાત કરી હતી.
વિનુભાઇએ કન્યા રાજકોટ હોઇ ત્યાં જવું પડશે એમ કહ્યું હતું, આથી હિતેશ, તેનો મિત્ર પરેશ રામાણી અને વચેટિયા વિનુભાઇ સહિતના લોકો રાજકોટ ગયા હતા. ત્યાં સપના રમેશભાઇ કોસિયા નામની યુવતી સાથે હિતેશની મુલાકાત કરાવી હતી. હિતેશ અને સપનાએ વાતો કરી એકબીજાને પસંદ પણ કર્યાં, પણ સગાઇ નક્કી કરવાની વાત આવી ત્યારે સપનાની સાથે રહેતી જૂનાગઢની યુવતી કાજલ પરેશ હીરપરાએ લેવડ-દેવડની વાત કરી.