લગ્ન નહીં કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપી
ઘરમાં ઘૂસી છેડતી-હુમલો કરનારા ડાૅક્ટર સામે ફરિયાદ
અમદાવાદ, વાડજમાં રહેતી ૩૧ વર્ષીય મહિલાએ રવિવારે સીટીએમ ક્રોસરોડ નજીક વ્રજભૂમિ સોસાયટીમાં રહેતા ડાૅક્ટર તેજસ રાજગૌર સામે છેડતી, અભદ્ર વર્તન અને હુમલો કરવા બદલ ફરિયાદ નોંધાવી હતી. મે ૨૦૧૭માં છૂટાછેડા લેનારી અને ૪ વર્ષની પુત્રી સાથે રહેતી આ મહિલાએ જણાવ્યું હતું કે, તે પાલડીમાં મેરેજ બ્યુરો દ્વારા આરોપીના સંપર્કમાં આવી હતી, જ્યાં તેણે પોતાનો બાયો-ડેટા સબમિટ કર્યો હતો. વાડજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વનરાજસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે તેઓએ આરોપીની અટકાયત કરી લીધી છે અને સત્તાવાર રીતે તેની ધરપકડ કરવામાં આવે તે પહેલાં તેની કોરોનાના રિપોર્ટની રાહ જોઈ રહ્યા હતા. ઈન્ડિયન પેનલ કોડ (આઈપીસી)ની કલમ ૩૫૪ (છ), ૪૫૨, ૩૨૩, ૨૯૪ (બી) અને ૫૦૬ (૧) હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.
વિગતો મુજબ મહિલા તેના ઘરેથી જ બ્યુટી પાર્લર ચલાવે છે. તેણે એફઆઈઆરમાં જણાવ્યું કે, આશરે એક અઠવાડિયા પહેલા તેણીને તેના મોબાઇલ પર કોલ આવ્યો હતો અને ફોન કરનારે કહ્યું કે તેણે મેરેજ બ્યુરોમાં તેની પ્રોફાઇલ જોઇ છે. તેણે કહ્યું કે તેનો પુત્ર, ડાૅક્ટર છે અને તેને તેમના બાયોડેટામાં રસ છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ‘ડાૅક્ટરે પણ છૂટાછેડા લીધેલા છે, તેણે તેનો બાયો-ડેટા મહિલાના મોબાઇલ પર મોકલ્યો હતો પરંતુ તે વ્યસ્ત હોવાથી તેણે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. શનિવારે આરોપીએ તેને ફોન કર્યો ત્યારે તેણીએ કહ્યું કે તેની પુત્રી બીમાર છે. જેથી ડાૅક્ટરે મહિલાને તેની પુત્રીને તેના ઘરે લાવવા કહેતા તે ત્યાં લઈ ગઈ હતી. જોકે, લગભગ ૧૫ મિનિટ પછી તેઓ ત્યાંથી નીકળી ગયા હતા.’
એફઆઈઆર મુજબ આરોપીએ ઘણી વાર તેને ફોન કર્યો હતો, અને રાત્રે લગભગ ૧૧ વાગ્યે તેણીના ઘરે આવીને ફોન કેમ નથી ઉપાડતી કહીને ઝઘડો શરૂ કર્યો હતો. જ્યારે તેણીએ પોલીસને ફોન કરવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીએ તેનો ફોન છીનવીને ફેંકી દીધો હતો. ત્યારબાદ તેણે મહિલાની છેડતી કરી હતી. તેણે કહ્યું કે આરોપીએ ધમકી પણ આપી હતી કે જો તે તેના સાથે લગ્ન નહીં કરે તો તેને મારી નાખશે.