લગ્ન પછી નટખટ દર્શના પતિ હિતેશના કહેવાથી મેદાનમાં પરત ફરીને નેશનલ પ્લેયર બની
સોની ઉઠ ને બેટા હવે તું ક્યાં સુધી સુઈ રહીશ? સૂર્ય માથે આવી ગયો છે” તેમ રસોડામાંથી મમ્મી બુમ પાડે છે. “હે મમ્મા..! ચા બની ગઇ?” તેમ પથારીમાં આળસ મરડતા સોનીએ પ્રશ્ન કર્યો. હા હો મહારાણી ચા અને નાસ્તો તૈયાર થઈ ગયો છે આવો માતા અને દીકરી વચ્ચે સંવાદ ચાલી રહ્યો છે ત્યારે રોહિત આવે છે અને બેડરૂમમાં સોનીના હાથમાંથી ટીવીનું રિમોટ લઈ લે છે. મને હોસ્ટેલમાં ક્યાં ટીવી જોવા મળે છે તેમ સોનીએ કહ્યું.
નાનાભાઈ અંકિતે કહ્યું કે મોટાભાઇ આને રીમોટ પાછું આપી દે નહીંતર પપ્પા તો તેનો પક્ષ લેશે. સોનીના પિતા દિકરીને ખૂબ લાડ લડાવી રહ્યા છે. સોની સ્વભાવમાં ખૂબ નટખટ, તોફાની, રમૂજી, હોશિયાર, નીડર, પ્રેમાળ સ્વભાવની અને નાનપણથી નેતાગીરીના ગુણ ધરાવે છે. ઘરથી દૂર રહીને હોસ્ટેલમાં અભ્યાસ કરી રહેલ સોની જી.એસ બને છે. વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં પડી રહેલ અગવડ સામે સોની અવાજ ઉઠાવી હડતાલ પાડાવતા ઘરે બે વખત નોટિસ મોકલવામાં આવે છે. તેમ છતાં સોની મક્કમતાથી પોતાની લડત ચાલુ રાખે છે. આખરે વિદ્યાર્થીઓની માંગણી સ્વીકાર કરવામાં આવે છે. નાનપણથી જ રમત-ગમતમાં ખૂબ જ રસ દાખવતી સોની શાળાકીય અભ્યાસ દરમિયાન મેદાનમાં વધુ જોવા મળી રહી છે.
પરંતુ સોનીના પિતા ઈચ્છા હોય છે કે તે રમત રમવાના બદલે અભ્યાસમાં વધુ ધ્યાન આપે. પિતાને જાણ ન થાય તે રીતે સોની કબડ્ડી, વોલીબોલ, દોડ સહિતની રમતોમાં ભાગ લઈ રહી છે અને અવ્વલ આવી રહી છે. જીતેલા તમામ પ્રમાણપત્ર અને મેડલ્સ હોસ્ટેલમાં રાખે છે. સોની પોતાની રમતની સિદ્ધિઓ અંગે પિતા સિવાય પરિવારના બધા જ સભ્યોને વાત કરે છે.
બારમા ધોરણ સુધી હોસ્ટેલમાં અભ્યાસ કર્યા પછી સોની ઘરે એક મોટી બેગ ભરીને રમતના પ્રમાણપત્રો અને મેડલ સાથે લઈને આવે છે અને પિતાને જાણ ન થાય તે રીતે સંતાડીને મુકી દે છે. રમતના શિક્ષક બનવા માટે સોની સી.પી.એડ કરવા માંગે છે અને પિતાને જણાવે છે ત્યારે તેઓ કહે છે કે તું ક્યાં દોડી શકવાની છું અને રમતમાં તું ન ચાલી શકે. આ સાંભળીને સોની મંદ મંદ હસી રહી છે અને મનમાં કહે છે કે પિતા ને ક્યાં ખબર છે કે તેમની દીકરી રાજ્યકક્ષાની પ્લેયર છે. તેમ છતાં પિતા દિકરીની જીદ હોવાથી સી.પી.એડની પ્રવેશ પરીક્ષા આપવા માટે સોનીને લઈને અમદાવાદ આવે છે.
મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને જોઈને પિતા કહે છે કે આટલા બધા વિદ્યાર્થીઓની વચ્ચે તું કઈ રીતે દોડી શકીશ. સોની એક પણ શબ્દ બોલતી નથી અને જ્યારે દોડ શરૂ થાય છે ત્યારે અન્ય વિદ્યાર્થીઓ હજુ અડધું અંતર કાપી રહ્યા છે ત્યાં તો સોની એ દોડ પૂરી કરી દીધી છે. પિતાજી કાંઇ સમજી શકતા નથી અને કહે છે કે તું આટલું ઝડપી દોડે છે તે મને આજે જ ખબર પડી ત્યારે સોની કહે છે કે હું રાજ્યકક્ષાની પ્લેયર છું. આજે સોનીના પિતાને પહેલી વખત ખબર પડે છે કે તેમની દીકરી રાજ્યકક્ષાની પ્લેયર છે અને તેઓ ખૂબ જ ખુશ થાય છે. તેમ છતાં પણ સોની એકલી રમત રમવા જાય તે પસંદ પડતું નથી. સોની સી.પી.એડનો હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે અને સાથે રમતનો શોખ ચાલુ રાખે છે.
અભ્યાસ પૂર્ણ થયા પછી સોનીને શિક્ષક તરીકે નોકરી મળે છે. દીકરી મોટી થાય એટલે પિતાની ચિંતા સ્વાભાવિક રીતે થોડી વધી જાય છે. પિતાએ જ્યારે સોનીને પૂછ્યું કે તને કોઈ છોકરો પસંદ હોય તો તું કહે ત્યારે સોનીએ હસીને જવાબ આપ્યો કે તમે જે છોકરો પસંદ કરશો ત્યાં જ હું લગ્ન કરીશ. હવે સોની માટે સારા ઘરના માંગા આવવાની શરૂઆત થાય છે પરંતુ સોનીને એ પસંદ ન હતું કે તેના માટે ફક્ત સરકારી નોકરી વાળો જ મૂરતિયો પસંદ કરવામાં આવે. તેમ છતાં જ્યારે પિતાએ સોનીને શાંતિથી સમજાવ્યું ત્યારે સોની પિતાની વાત સાથે સહમત થઇ જાય છે. સોનીના પિતા હિતેશ નામના યુવકને સોની માટે પસંદ કરે છે. દર્શના(સોની)ને હિતેશ જોતાની સાથે ગમી જાય છે તો બીજી બાજુ હિતેશને પણ દર્શના પસંદ પડી છે. હિતેશ દર્શનાને પત્ની બનાવવા માટે મનોમન નિશ્ચય કરે છે અને ભગવાનને પ્રાર્થના કરી રહ્યો છે. દર્શના હા પડતાની સાથે જ હિતેશ અને તેના પરિવારની ખુશીઓ બેવડાઈ જાય છે.
લગ્ન પહેલા હિતેશ અને દર્શના કાંકરિયા ફરવા માટે જાય છે. કાંકરિયામાં મોટી ઉંમરના માજી ખીચું વેચી રહ્યા છે પરંતુ કોઈ તેમની પાસેથી ખીચું ખરીદતા નથી. આ જોતાંની સાથે જીન્સનું પેન્ટ અને ટીશર્ટમાં હિરોઇન જેવી લાગતી દર્શના માજીને વિનંતી સાથે પૂછે છે કે હું તમારું ખીચું વેંચી આપુ? માજીએ કહ્યું કે એક તો ખીચું વેચાતું નથી અને ઉપરથી તમે મારી મશ્કરી કરો છો. હું તમારી મશ્કરી નથી કરતી હું સાચી જ તમારું ખીચું વેચી આપીશ એમ કહીને દર્શના ખીચાનું તપેલું લઈને વેચવાનું શરૂ કરે છે. થોડીવારમાં દર્શના બધું ખીચું વેચી દે છે અને તમામ રૂપિયા માજીના હાથમાં આપી દે છે ત્યારે માજીના ચહેરા પર અલૌકિક આનંદ છવાઈ જાય છે. આ ઘટના પછી હિતેશ દર્શનાને કહે છે કે તને આ રીતે ખીચું વેચતા શરમ ન આવી ત્યારે દર્શના કહે છે કે હું તો આવી જ છું તારે લગ્ન કરવા હોય તો આ બધું સહન કરવું પડશે.
આ સાંભળીને હિતેશ ખડખડાટ હસવા લાગે છે. કાંકરિયા તળાવની પાળ પર બેસીને દર્શના અને હિતેશ એકબીજાને જાણવાની સાથે પ્રેમની વાતો કરે છે. દર્શના અને હિતેશના લગ્ન કરવામાં આવે છે. પોતાના સ્વભાવના કારણે દર્શના સાસરીમાં સૌની લાડકી બની જાય છે. શાંત અને પ્રેમાળ સ્વભાવનો હિતેશ હંમેશા દર્શનાને ખુશ રાખવાનો સતત પ્રયત્ન કરે છે.
બંને એક જ શાળામાં નોકરી કરતા હોવાના કારણે આખો દિવસ સાથે રહે છે. હિતેશને દર્શના વગર એક દિવસ પણ પસાર કરવો ગમતો નથી અને તે પિયરમાં જાય તો પણ હિતેશ તેની સાથે જ હોય છે. બધા એવું માની રહ્યા છે કે લગ્ન પછી દર્શના રમતના મેદાનમાં ક્યારેય પરત નહીં ફરે પરંતુ હિતેશના આગ્રહ અને પ્રેરણાના કારણે રમતના મેદાનમાં પરત ફરે છે.
હિતેશ પતિ ઉપરાંત કોચની ફરજ નિભાવી રહ્યો છે. દર્શનાની જેમ જ તેનો પુત્ર પ્રાંશુ પણ તોફાની હોવાથી રમતના મેદાનમાં પરત ફરવું મુશ્કેલ લાગી રહ્યુ છે ત્યારે હિતેશ કહે છે કે તારે રાષ્ટ્રીયકક્ષાએ રમતમાં ભાગ લેવાનો છે અને હું પ્રાંશુ સહિત પરિવારની સઘળી જવાબદારીઓ નિભાવીશ. દર્શના જ્યારે નેશનલ પ્લેયર બનીને પુના રમવા માટે જાય છે ત્યારે હિતેશ તેની સાથે જશે તેમ જણાવવામાં આવે છે.
પરંતુ દર્શના એકલી જ રમવા જાય છે પાછળથી જ્યારે તેના પિતાને આ વાતની ખબર પડે છે ત્યારે તેઓ થોડા ગુસ્સે થાય છે. પરંતુ દર્શનાના પ્રયત્નોથી બધુ સરખુ થઇ જાય છે. રમતના મેદાનમાં ફરીથી દર્શના છવાઇ રહી છે અને વિવિધ રમતોમાં રાજ્યકક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શના કરીને દર્શના રાષ્ટ્રીય કક્ષાની રમતોમાં ભાગ લઈ રહી છે.
લગ્નજીવનના થોડા વર્ષો પછી હિતેશ અને દર્શના તેના પુત્ર પ્રાંશુ સાથે અમેરિકા ફરવા માટે જાય છે અને અમેરિકામાં બંને પ્રેમી પંખીડાઓ એકબીજાને ભરપુર પ્રેમ આપવાની સાથે વિદેશ પ્રવાસનો આનંદ માણી રહ્યા છે. દર્શના રમતના મેદાનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શના કરીને જે ધનરાશિ મેળવે છે તે તમામ પૈસા શાળાના વિદ્યાર્થીઓના વિકાસમાં વાપરી નાખે છે.
દર્શના પોતાની શાળાના વિદ્યાર્થીઓ ઉપરાંત અન્ય લોકોને રમતગમતમાં જોડાવા પ્રેરણા આપી રહી છે. આજે પણ ઉમદા શિક્ષકની સાથે પ્રમાળ વ્યક્તિત્વ ધરાવતી દર્શના હિતેશના મનની મહારાણી અને હિતેશ દર્શનાનો મહારાજા છે.
(સત્ય ઘટનાથી પ્રેરીત, માહિતી સ્ત્રોતઃ- દર્શના પટેલ)