લગ્ન પ્રસંગમાં કોરોના ‘ચાંદલો’ ન કરી જાય તેનું ધ્યાન રાખજો
લગ્ન સમારંભ પૂર્વે સંબધિત મામલતદારની મંજૂરી ફરજીયાત લેવાની રહેશે- રાત્રી કરફ્યુ દરમિયાન લગ્ન કે અન્ય કોઇપણ સમારંભ નહીં યોજી શકાય
દાહોદ, આગામી લગ્નસરાને કારણે કોરોના વાયરસ વધુ ફેલાવાની શક્યતાને ધ્યાને લઇ દાહોદ જિલ્લા વહીવટી તંત્રે લગ્ન સમારંભ યોજતા પૂર્વે મામલતદારની મંજૂરી ફરજીયાત બનાવી છે. બીજી તરફ, દાહોદ પોલીસ તંત્રએ નિયત સંખ્યા કરતા વધુ સાજનમાજનવાળા લગ્ન સમારંભ ઉપર કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે.
કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જણાવ્યું કે, જિલ્લામાં કોરોના સંક્રમણને રોકવા માટે એક જાહેરનામા દ્વારા લગ્ન સમારંભમાં ૫૦ થી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ મુકી દીધો છે. આ ઉપરાંત દાહોદ જિલ્લામાં યોજવામાં આવતા લગ્ન સમારંભના આયોજન પૂર્વે સંબધિત મામલતદારની મંજૂરી ફરજીયાત લેવાની રહેશે.
જે વિસ્તારોમાં રાત્રિ કરફ્યુ અમલમાં છે, ત્યાં કરફ્યુ સમયના કલાકો દરમિયાન લગ્ન સમારંભ, સત્કાર સમારંભ કે અન્ય કાર્યક્રમ યોજી શકાશે નહી. આ ઉપરાંત કોવીડ સબંધિત અન્ય તમામ માર્ગદર્શક સૂચનાઓ અને જાહેરનામાઓનું દરેક નાગરિકે ચુસ્ત પાલન કરવા જણાવવામાં આવ્યું છે.
આ જાહેરનામાની અમલવારી તા. ૨૨-૪-૨૦૨૧ થી આગામી તા. ૩૦-૪-૨૦૨૧ ના ર૪ કલાક સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ ભારતીય ફોજદારી અધિનિયમ, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને ગુજરાત એપીડેમિક ડિસિઝ એક્ટ અંતર્ગત કાનુની કાર્યવાહી કરવામાં આવશે.