લગ્ન પ્રસંગમાં ડીજેનુ સ્પીકર પડતા ૧૦ વર્ષના બાળકનું મોત
રાજકોટ: લગ્ન જેવો આનંદનો પ્રસંગ માતમમાં ફેરવાય ત્યારે પરિવાર પર આભ તૂટી પડતું હોય છે.મેંદરડા નગરમાં એક લગ્ન પ્રસંગે ડીજેના સ્પીકર બે બાળકો પર પડતા ૧૦ વર્ષના એક બાળકનું મોત થયું હતું.
મેંદરડામાં રહેતાં વાળંદ પરિવારમાં લગ્ન પ્રસંગ હોય ગામે ગામથી સગા-સંબંધી આવ્યા હતાં. લગ્ન પહેલા આગલી રાતે ફૂલેકુ નીકળ્યું હતું જેમાં ડીજેને બોલાવ્યો હતો.બોલેરો જીપમાં ડીજેના સ્પીકર મુકવામાં આવ્યા હતા અને તેની આસપાસ લોકો નાચતા હતા જેમાં નાના છોકરાઓ પણ હતા. એ દરમિયાન બોલેરોમાં રાખેલા ડીજેના મોટા સ્પીકર એક છાપરાના પતરાને અડી જતાં બોલેરોમાંથી સ્પીકર નીચે પડ્યા હતા.
મસમોટા વજનદાર સ્પીકર નીચે બે બાળકો ૧૦ વર્ષનો મૌલિક સુરેશભાઇ ધામેલીયા તથા ૯ વર્ષનો ધ્રુવ સતિષભાઇ ગાલોરીયા દબાઈ ગયા હતા. સ્પીકર પડતા મૌલિકને ગંભીર ઇજાઓ થઈ હતી અને તેનું મોત નીપજતાં લગ્નની ખુશી માતમમાં પરિણમી ગઇ હતી. તેના મૃતદેહનું મેંદરડા પોસ્ટમોર્ટમ કરાવી રાજકોટ નિવાસસ્થાને લાવવામાં આવ્યો.જ્યારે ધ્રુવને ઉલ્ટીઓ ચાલુ થઈ જતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. મૃત્યુ પામનાર મૌલિક એક બહેનથી નાનો હતો. મૌલિકના ફઇના દીકરાના લગ્ન હોય તે માતા ઇલાબેન, પિતા સુરેશભાઇ, બહેન સહિતની સાથે મેંદરડા ગયો હતો. એકના એક લાડકવાયાના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.