લગ્ન સહાય યોજના હેઠળ પંચમહાલ જિલ્લાના ૧૦ દિવ્યાંગોને કલેક્ટરના વરદ હસ્તે ચેક અર્પણ
ગોધરા, પંચમહાલ જિલ્લાના ૧૦ દિવ્યાંગોને જિલ્લા કલેક્ટર શ્રી ઉદિત અગ્રવાલના હસ્તે દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. જિલ્લા કલેકટરે આ પ્રસંગે ઉપસ્થિત દિવ્યાંગોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું તેઓ આશા રાખે છે કે સરકારની આ સહાય તેમને જીવનમાં નવી શરૂઆત કરવામાં મદદરૂપ બની રહેશે.
રાજ્ય સરકારે દિવ્યાંગો માટે લગ્ન અને લગ્ન બાદના જીવનમાં ટેકો પૂરો પાડવા માટે દિવ્યાંગ લગ્ન સહાય યોજના શરૂ કરી છે, જે હેઠળ લગ્ન કરનાર દિવ્યાંગને રૂ.૫૦,૦૦૦ની આર્થિક સહાય આપવામાં આવે છે. જો પતિ-પત્ની બંને દિવ્યાંગ હોય તો તેમને રૂ.૧,૦૦,૦૦૦ની સહાય મળવાપાત્ર છે. આવા જ ગોધરા તાલુકાના મીરપના હિમાંશુભાઈ સરતનભાઈ લુહારે સહર્ષ જણાવ્યું હતું કે તેમનું સપનું કરિયાણાની એક દુકાન ખોલવાનું હતું, જેથી આજીવિકા રળવામાં થોડી સરળતા રહે પરંતુ તે માટે જરૂરી મૂડી હતી નહિં. આ યોજના હેઠળ મળેલી રૂ.૧,૦૦,૦૦૦ની સહાયથી તેઓ પોતાના પત્નિ શારદાબહેન લુહાર સાથે મળીને નવી દુકાનની અને નવા જીવનની શરૂઆત કરશે. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જે.એચ.લખારાએ યોજના અંગે માહિતી આપતા જણાવ્યું કે આ યોજનાનો લાભ મેળવવા માટે તલાટી દ્વારા ઈશ્યુ કરાયેલ લગ્ન રજિસ્ટ્રેશન સર્ટીફિકેટ, વિકલાંગતા માટેનું દાકતરી પ્રમાણપત્ર, બસ-પાસ તેમજ પતિ-પત્ની બંનેના લગ્નની કંકોતરી સહિતના દસ્તાવેજો રજૂ કરવાના હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૨૧.૦૫.૨૦૧૬થી સરકારે આ યોજના હેઠળ મળતી સહાય રૂ.૨૦,૦૦૦થી વધારીને રૂ.૫૦,૦૦૦ કરી છે.