લઘુકથા… જેવી કરણી તેવી ભરણી
આપણે જેવા કર્મ કરીશું તેનાં ફળ આજે નહી તો કાલે ભોગવવા પડશે.એક ગામના જમીનદાર ઘણા વર્ષોથી બિમાર હતા. બિમારીના ઇલાજ માટે કોઇ ર્ડાકટર,વૈધને બતાવવાનું બાકી રાખ્યું નહોતું તેમ છતાં તબિયતમાં કોઇપણ પ્રકારનો સુધારો ન થયો.
ગામમાં એક સંતનું આગમન થાય છે.જમીનદાર સંતના દર્શન કરવા જાય છે.સંતને પ્રણામ કરીને ખુબ જ દુઃખી હ્રદયે કહે છે કે મહાત્માજી..હું આ ગામનો જમીનદાર છું,મારી પાસે સેકડો વિઘા જમીન છે અને સુખના તમામ સાધનો હોવા છતાં મને જે ગંભીર પ્રકારની બિમારી થઇ છે તેમાં આરામ થતો નથી.
મહાત્માએ પુછ્યું કે તમોને કયો રોગ થયો છે? ત્યારે જમીનદાર કહે છે કે મળ ત્યાગ કરતાં ઘણું જ લોહી નીકળે છે અને સહન ના થાય એટલું દર્દ થાય છે, લાગે છે કે મારા પ્રાણ નીકળી જશે.આપ આર્શિવાદ આપો કે મારી આ બિમારીમાંથી છુટકારો મળે.
મહાત્માએ આંખો બંધ કરી શાંત બેસીને પછી કહ્યું કે ખરાબ ના લાગે તો એક વાત પુછું? તમે ક્યારેય કોઇનું દિલ એટલુ બધું દુભાવ્યું છે કે તેના નિશાસાનો દંડ તમો આજે ભોગવી રહ્યા છો? તમે તેને એટલું બધું દુઃખ આપ્યું હશે કે તેની પીડા તમે ભોગવી રહ્યા છો?
ત્યારે જમીનદાર કહે છે કે મેં કોઇનું દિલ દુભાવ્યું હોય કે કોઇને દુઃખ આપ્યું હોય તેવું મને યાદ નથી.ત્યારે મહાત્મા કહે છે કે યાદ કરો ક્યારેય તમે કોઇનો હક્ક તો નથી છીનવી લીધોને? કોઇની પીઠ પાછળ છરો મારીને કોઇની આજીવિકા તો નથી છીનવી લીધીને? કોઇની સાથે તેના હિસ્સાનું બળજબરીથી પચાવી તો નથી પાડ્યુંને?
મહાત્માની પુરી વાત સાંભળીને જમીનદાર શર્મસાર બનીને કહે છે કે મારી એક વિધવા ભાભી તેના પિયરમાં રહેતી હતી, તે તેના ભાગના હિસ્સાની માંગણી કરતી હતી
પરંતુ ભવિષ્યમાં તેના ભાગનો હિસ્સો લઇને તેના ભાઇને આપી દેશે એ ભયથી મેં તેના હિસ્સાની જમીન-જાયદાદ અને સંપત્તિ મેં ન આપતાં હું તેનો ઉપભોગ કરૂં છું.
મહાત્માએ કહ્યું કે આજથી તમે તમારી વિધવા ભાભીને દર મહિને સો રૂપિયા આપવાનું શરૂ કરી દો.
આ પુરાતન સમયની વાત છે તે જમાનામાં સો રૂપિયામાં સમગ્ર પરીવારનું ભરણપોષણ થઇ જતું હતું. બીજા મહિનેથી જમીનદાર કેટલાક રૂપિયા વિધવા ભાભીને આપવાનું ચાલુ કરે છે.મહિના પછી મહાત્મા પાસે આવીને જમીનદાર કહે છે મારી બિમારીમાં પંચોત્તેર ટકા સારૂં લાગે છે.
મહાત્માજીએ વિચાર્યું કે જમીનદારને સો ટકા સારૂં થઇ જવું જોઇએ તેમછતાં આમ કેમ બન્યું? મહાત્માજીએ કહ્યું કે તમે તમારી વિધવા ભાભીને દર મહિને કેટલા રૂપિયા મોકલાવો છો? ત્યારે જમીનદાર કહે છે કે દર મહિને પંચોત્તેર રૂપિયા મોકલું છું.ત્યારે મહાત્મા કહે છે કે એટલે જ તમોને સો ટકા સારૂં થતું નથી,તમે વિધવા ભાભીને બોલાવીને તેમના હક્કનું તમામ આબરૂભેર આપી દો.તેમના હક્કની સંપત્તિનું તેમને મન ફાવે તેમ ભલે ખર્ચ કરે કે ગમે તેને આપી દે તેમાં તમારે કોઇ દખલગીરી કરવાની નથી.
તમોને ખબર છે? તમે તેમનો હક્ક પચાવી પાડ્યો છે તેથી તે નિરાધાર વિધવા ભાભી કેટલી રડતી કકળતી હશે? બીજાના સહારે જીવન જીવતાં અંતરથી કેટલા શ્રાપ આપતી હશે તેના ફળસ્વરૂપે જ તમારી બિમારી મટતી નહોતી.
વિચાર કરો..મૃત્યુ પછી આપણી સાથે શું આવવાનું છે? મૃત્યુ ક્યારે આવી જાય તેની આપણને ખબર ૫ડતી નથી એટલા માટે પોતાના સ્વભાવ અને ચિંતનને નિર્મળ બનાવી રાખીને પ્રત્યેક ક્ષણે સાવધાન રહેવું જોઇએ અને પ્રભુ ૫રમાત્માનું નિત્ય નિરંતર સુમિરણ કરતા રહેવું જોઇએ.
જમીનદારને ઘણો જ પશ્ચાતાપ થાય છે, તેમને તરત જ પોતાની વિધવા ભાભી તથા તેમના ભાઇઓને બોલાવીને સમગ્ર ગામના લોકોની સાક્ષીએ તેના ભાગની જમીન,તેના હક્કના પૈસા આપી દીધા તથા પોતાની ભૂલ બદલ જાહેરમાં ભાભીની માફી માંગે છે.ભાભીએ વિશાળ દિલથી તેમને માફ કરી દીધા અને જમીનદારને ઘણા જ આર્શિવાદ આપે છે જેના પરીણામસ્વરૂપ જમીનદારની બિમારી કાયમ માટે મટી જાય છે.
જો તમોને પણ કોઇ અસાધ્ય રોગ થયો હોય તો જરૂરથી વિચાર કરજો કે સત્તા અને સંપત્તિના નશામાં મેં કોઇનો હક્ક તો નથી લઇ લીધોને? મેં કોઇનું દિલ તો નથી દુભાવ્યુંને? યાદ રાખો પ્રભુ પરમાત્માની લાઠીનો અવાજ નથી સંભળાતો પરંતુ આપણે જેવી કરણી કરીશું તેવું ફળ આજે નહી તો કાલે ભોગવવું જ પડશે જ..
સારા માનવ બનો અને બધાનું ભલું કરો.ભૂતકાળમાં જે ભૂલો કરી છે તેને સુધારી લઇએ અને ભવિષ્યમાં સમજી વિચારી એવા કર્મો કરીએ કે અમારી વાણી વર્તનથી કોઇની લાગણી ના દુભાય.અમારૂં એક ખરાબ કર્મ અમોને અનેક જન્મો લેવાનું કારણ બનતા હોય છે. – વિનોદભાઇ માછી નિરંકારી