લદાખ બોર્ડર પર ચીને બાહુબલી તોપો ખડકી

શાંતિ વાર્તાની વાતો વચ્ચે ચીનની ભારત સામે માઈન્ડ ગેમ
નવી દિલ્હી, ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ચાઇનાએ માઇન્ડગેમ શરૂ કરી છે અને હવે બાહુબલી તોપ લદ્દાખ બોર્ડર પર લાવવામાં આવી હોવાનું ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઇમ્સે જણાવ્યું છે. પર્વતો ઉપર યુધ્ધ ક્વાયત અને ટેન્કોના વીડિયો મુક્યા બાદ હવે ગ્લોબલ ટાઈમ્સે આધુનિક તોપોની ‘ધમકી’ આપી છે. ગ્લોબલ ટાઇમ્સે દાવો કર્યો છે કે ચીનના લશ્કર પીએલએ ભારત સાથેના તણાવને ધ્યાનમાં રાખીને તેની સૌથી આધુનિક તોપ પીસીએલ -૧૮૧ લદાખની સરહદ પર ગોઠવી દીધી છે. ચીનના અખબારે જણાવ્યું છે કે આ તોપનું વજન માત્ર ૨૫ ટન છે.
આની સાથે, આ સ્વસંચાલિત હોવિત્ઝરને સરળતાથી લાંબા સમય સુધી વહન કરી શકાય છે. પહેલાં, આવી તોપોનું વજન ૪૦ ટન હતું. ઓછા વજનને કારણે, તે ઊંચાઇવાળા વિસ્તારોમાં સરસાઈ અપાવી શકે છે જ્યાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું છે. ઓછા ઓક્સિજનને લીધે એન્જિનની કાર્યક્ષમતાને અસર થાય છે. ગ્લોબલ ટાઇમ્સે દાવો કર્યો હતો કે ચીનના લશ્કરે ૨૦૧૭માં ડોકલામ વિવાદ દરમિયાન પીસીએલ -૧૮૧ પણ તૈનાત કરી હતી. આનાથી સરહદ પર શાંતિ સ્થાપવામાં સરળતા રહી હતી.
અખબારે કહ્યું છે કે ભારત અને ચીન વચ્ચે તાજેતરનો વિવાદ શરૂ થયો છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ચુનિંગે બુધવારે કહ્યું કે બંને પક્ષોએ પરસ્પર સંમતિ બાદ તણાવ ઘટાડવા પગલાં લીધાં છે. ગ્લોબલ ટાઇમ્સે કહ્યું કે પીસીએલ -૧૮૧ તોપની શનિવારે ભારત-ચીન સકારાત્મક વાટાઘાટોની પહેલાં તૈનાત કરવામાં આવી હતી. ચાઇના સેન્ટ્રલ ટેલિવિઝનએ કહ્યું કે આ વર્ષની શરૂઆતમાં હુબેઇ પ્રાંત કોરોના વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત હતો, પરંતુ હવે અહીં ચેપ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં છે.
તેથી, સૈનિકોને ક્વાયત માટે અહીં લાવવામાં આવ્યા છે. ચીનની આર્મીની રવિવારની કવાયત દરમિયાન સેંકડો સશસ્ત્ર વાહનો, ટેન્ક, તોપો અને મિસાઇલ બ્રિગેડ એક સ્થળેથી બીજી જગ્યાએ તૈનાત કરવામાં આવ્યા હતા. ૧ જૂનના રોજ, ચીનની સેનાએ પણ મધ્યરાત્રિના ઘેરા અંધકારમાં તિબેટના વધુ ઊંચાઇવાળા ક્ષેત્રમાં ક્વાયત હાથ ધરી હતી. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ની તિબેટ લશ્કરી કમાન્ડે સોમવારે મોડી રાત્રે ૪,૭૦૦ મીટરની ઊંચાઇ પર સેનાને રવાના કરી હતી અને મુશ્કેલ સ્થિતિમાં તેની ક્ષમતાનું પરીક્ષણ કર્યું હતું.