લદ્દાખની પાસે ચીન નવું એરબેઝ બનાવી રહ્યું છે
બેઈજિંગ: ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા પર પોતાને મજબૂત કરવામાં લાગ્યું છે. જે હેઠળ તે લદાખ નજીક ફાઈટર વિમાનો માટે એક નવું એરબેસ તૈયાર કરી રહ્યું છે. આ બાજુ ભારતીય એજન્સીઓ ડ્રેગનની દરેક હરકત પર બાજ નજર રાખી રહી છે. અત્રે જણાવવાનું કે આ ખબર એવા સમયે આવ્યા છે જ્યારે પૂર્વ લદાખને લઈને ભારત અને ચીન વચ્ચે ગતિરોધ યથાવત છે.
ચીન પૂર્વ લદાખ નજીક શિંજિયાંગ પ્રાંતના શાકચે શહેરમાં આ એરબેસ બનાવી રહ્યું છે. આ એરબેસને સૈન્ય તૈયારીઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઈ રહ્યું છે. અહીંથી ચીનના ફાઈટર વિમાનો ઉડાણ ભરી શકશે. સૂત્રોનું કહેવું છે કે ચીન નવું એરબેસ કાશગર અને હોગામાં રહેલા એરબેસ વચ્ચે વિક્સિત કરી રહ્યું છે. અત્યાર સુધી આ બંને એરબેસથી જ ચીન ભારતીય સીમા પાસે પોતાની હરકતોને અંજામ આપતું રહ્યુ છે. નવું એરબેસ બન્યા બાદ આ વિસ્તારમાં તેના ફાઈટર વિમાનોની હાજરી વધી જશે.
અગાઉ ભારતીય સીમાથી ચીનનું સૌથી નજીકનું એરબેસ ૪૦૦ કિમીના અંતરે હતું. સૂત્રોના જણાવ્યાં મુજબ શાકચે શહેરમાં પહેલેથી જ એક એરબેસ છે અને તેને જ ફાઈટર એરબેસ તરીકે વિક્સિત કરાઈ રહ્યું છે. આ એરબેસ પર ખુબ ઝડપથી કામ ચાલુ છે. આથી જલદી અહીંથી ફાઈટર વિમાનોનું ઓપરેશન ચાલુ થઈ શકે છે. આ બાજુ ભારતીય એજન્સીઓ ચીન સાથે બારાહોતીમાં ઉત્તરાખંડ સરહદ પાસે એક હવાઈ ક્ષેત્ર ઉપર પણ બાજ નજર રાખી રહી છે. જ્યાં ચીન મોટી સંખ્યામાં માનવરહિત હવાઈ વાહનો લઈને આવ્યું છે.
ભારત પણ ચીનની દરેક હરકત પર બાજ નજર રાખી રહ્યું છે. આ માટે મોટી સંખ્યામાં સિસ્ટમ તૈનાત કરાઈ છે. ભારતીય પક્ષે લેહ અને અન્ય ફોરવર્ડ એરબેસ પર ફાઈટર વિમાનો પણ તૈનાત કર્યા છે. જે લદાખમાં પોતાના ઠેકાણાથી ચીન અને પાકિસ્તાન બંનેને એકસાથે પછાડી શકે છે. અંબાલા અને હાશિમારી એરબેસ પર રાફેલ ફાઈટર વિમાનોની તૈનાતી અને તેના સંચાલને પણ ચીન વિરુદ્ધ ભારતની તૈયારીઓને આગળ વધારી છે.