લદ્દાખ: ચીનની ફરી ઘૂસપેઠ, રેજાંગલામાં સેના સામ સામે
ચીન તરફથી ભારતીય ક્ષેત્રમાં પહેલાં ફાયરિંગ કરાયા બાદ દેશ તરફથી જવાબી કાર્યવાહી થઈ હોવાનો ભારતનો દાવો
લેહ, લદ્દાખ સીમા પર ચીને ભારતની સાથે દગાબાજી જારી રાખી છે. એક તરફ મંત્રણા કરી રહેલું ચીન બીજી બાજુ તેના જવાનોને સરહદ પરથી ભારતીય ભૂમિમાં ઘુસાડી રહ્યું છે. સોમવારે ફાયરિંગની ઘટના બાદ ચીને લદ્દાખ સીમા પર આવેલા રેજાંગ લામાં ઘુસણખોરીની કોશિશ કરી હતી. પીપલ્સ લિબરેશન આર્મીના ૫૦થી ૬૦ જવાનો ભારતીય પ્રદેશમાં ઘુસી ગયા હતા. સોમવારે મોડી રાત્રે પેન્ગોગ ત્સો લેક પર વાસ્તવિક નિયંત્રણ રેખાની પાસે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ફાયરિંગની ઘટના બની હતી. ચીનની સરકારી મીડિયા ગ્લોબલ ટાઇમ્સે ભારતીય સૈનિકો પર પેન્ગોગ ત્સોના દક્ષિણ કિનારા પર ફાયરિંગ કરવાનો આરોપ લગાવ્યો છે. જોકે, ભારતીય સેના સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે ચીન તરફથી ભારતીય ક્ષેત્રમાં પહેલા ફાયરિંગ કરવામાં આવ્યું, ત્યારબાદ ભારત તરફથી જવાબી કાર્યવાહી થઈ. હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ૧૯૭૫ બાદ સરહદ પર ભારત અને ચીનની સૈનિકોની વચ્ચે આ પ્રકારે પહેલીવાર ફાયરિંગ થયું છે.
ચીની રક્ષા મંત્રાલય, ચીની પીપલ્સ લિબરેશન આર્મીના વેસ્ટર્ન થિયેટર કમાનના પ્રવક્તા કર્નલ ઝાંગ શુઇલી તરફથી એલએસી પર હાલની સ્થિતિને લઈ નિેવેદન આપવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય સૈનિકો તરફથી કથિત ઉશ્કેરીજનક કાર્યવાહી કરવામાં આવી, જેનાથી ચીની સૈનિકો તરફથી જવાબી કાર્યવાહી થઈ. ભારતીય સેનાના સૂત્રોએ પુષ્ટિ કરી કે વોર્નિંગ શૉટ્સ ફાયર કરવામાં આવ્યા હતા. ચીનની નજર આપણા બ્લેક ટૉપ અને હેલ્મેટ ટૉપ પર છે. સરહદ પર તૈનાત જવાન ત્યારથી હાઈ એલર્ટ પર છે. ભારતીય જવાનોએ આ બંને ચોટીઓને સંપૂર્ણ પણે નિયંત્રણમાં લઈ લીધી છે. તેનાથી ગુસ્સે ભરાયેલા ચીની સૈનીક આ બંને ચોટીઓ પર નિયંત્રણ મેળવવા માટે આગળ વધી રહ્યા છે.
ભારત અને ચીનના ટકરાવની વચ્ચે ચીનનુ સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સ અને ચીનનુ મીડિયા ભારતના નેશનલ સિક્યુરિટી એડવાઈઝર અજિત દોવાલના નામે જુઠ્ઠાણુ ચલાવી રહ્યુ હોવાની ચેતવણી ભારતના વિદેશ મંત્રાલયે આપી છે. વિદેશ મંત્રાલયનું કહેવું છે કે, અમે ચીની મીડિયાના કેટલાક રિપોર્ટ જોયા છે જેમાં અજિત દોવાલને લઈને કેટલીક કોમેન્ટસ કરાઈ છે.આ અહેવાલો સાવ બોગસ છે અને તેનો કોઈ આધાર નથી.ભારતના મીડિયાને અપીલ છે કે, આ રિપોર્ટસને ગંભીરતાથી ના લે. ચીને એવું પણ જુઠ્ઠાણું ચલાવ્યું છે કે, ભારતીય સૈનિકોએ સાત સપ્ટેમ્બરની રાતે ફાયરિંગ કર્યું હતું. જોકે ભારતીય સેનાએ આ જુઠ્ઠાણાંને રદિયો આપીને કહ્યું હતું કે, ફાયરિંગ ચીનના સૈનિકો દ્વારા કરવામાં આવ્યું હતું. ભારતના સૈનિકોએ તેની સામે ભારે સંયમ દાખવ્યો હતો.SSS