લદ્દાખ મુદ્દા પર કોંગ્રેસ એકલી પડી, વિપક્ષોનો સાથ ન મળ્યો
કોંગ્રેસને એનસીપી જેવા સાથી પક્ષે પણ ચીન મુદ્દે સહયોગ ન આપ્યો, નરેન્દ્ર મોદીના નિવેદન બાદ વિવાદ વકર્યો હતો
નવી દિલ્હી, ચીન મામલે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીથી લઈને રાહુલ ગાંધી સુધી તમામ કોંગ્રેસી નેતા મોદી સરકારને ઘેરવાની કોશિશ કરી રહ્યા છે. જોકે, ચીન વિવાદ મામલે હાલ તો કોંગ્રેસ એકલી પડતી નજરે જોવા મળી રહી છે. કોંગ્રેસને વિપક્ષી દળોની સાથે-સાથે તેના સહયોગી પક્ષો પણ સાથ આ રહ્યા નથી.
એનસીપી પ્રમુખ શરદ પવારથી લઈને બીએસપી પ્રમુખ માયાવતી સુધી ચીન મામલે તમામ મોદી સરકાર સાથે ઊભા છે. આ રીતે કોંગ્રેસ હવે ચીન મામલે સરકાર વિરુદ્ધ મોરચો ખોલવામાં એકલી પડી ગઈ છે. લદાખની ગલવાન ખીણાં ભારત અને ચીન વચ્ચે ૧૫ જૂને થયેલી અથડામણમાં ભારતના ૨૦ જવાનો શહીદ થયા હતા, આ જવાનોની શહીદીને લઈને કોંગ્રેસે મોદી સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીથી માંડીને રાહુલ ગાંધી ઉપરાંત પી.ચિદમ્બર, કપિલ સિબ્બલ, મનીષ તિવારી, રણદીપ સુરજેવાલા સહિતના નેતાઓ સતત ચીન વિવાદ મામલે મોદી સરકારને દોષિત ઠેરવીને સવાલ કરી રહ્યા છે. પરંતુ હજુ કોંગ્રેસના વલણને કોઈ વિપક્ષી પાર્ટીએ સાથ આપ્યો નથી. શરદ પવારે તાજેતરમાં રાહુલ ગાંધીને અપ્રત્યક્ષ રીતે સલાહ આપતા કહ્યું હતું કે, સરહદ વિવાદ મામલે વારંવાર સરકાર પર હુમલા કરવા ઠીક નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીન વિવાદને લઈને સર્વપક્ષીય બેઠક બાદ કહ્યું હતું કે આપણી સરહદમાં કોઈએ પ્રવેશ કર્યો નથી કે ચીન દ્વારા કોઈ પોસ્ટ પર કબજો કરાયો નથી. વડાપ્રધાન મોદીના આ નિવેદન બાદ કોંગ્રેસ સતત સવાલ ઉઠાવતી રહી છે કે જો કોઈ ઘુસણખોરી કરી નથી તો આપણા ૨૦ જવાનો શહીદ કેવી રીત થયા ? ગલવાન ખીણમાં શહીદ થયેલા ૨૦ ભારતીય જવાનોના સન્માનમાં શુક્રવારે ‘શહીદોને સલામ દિવસ’ મનાવવામાં આવ્યો હતો અને વીર જવાનોને શ્રદ્ધાજલિ અર્પવામાં આવી હતી.