લદ્દાખ સરહદે સ્થિતિ સ્ફોટક છે: આર્મી ચીફની કબૂલાત
સરહદોના રક્ષણ માટે લેવા પડે એટલાં બધાં પગલાં લીધાં છે, કદાચ યુદ્ધ થાય તો પૂરતી તૈયારી કરાઈ છે: નરવણે
લેહ, ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સીમા પર હજુ પણ સ્થિતિ તનાવપૂર્ણ છે. ભારતે લદ્દાખના પેંગોંગ લેક નજીકની કેટલીક પહાડીઓ પર ચીની સૈનિકોને ભગાડીને કબજો મેળવી લીધો હતો. દરમિયાન લદ્દાખની મુલાકાત લેનારા આર્મી ચીફે પણ કહ્યું છે કે, સ્થિતિ નાજુક છે ત્યારે ભાજપના સાંસદ ડો.સુબ્રમણ્યમ સ્વામીએ પણ સરકારને ચેતવણી આપી છે.
સ્વામીએ યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમને સંબોધન કરતાં કહ્યું હતું કે, ચીને વાયુસેનામાં સામેલ રશિયન બનાવટના સુખોઈ વિમાનોને મોટી સંખ્યામાં ભારત સાથે જોડાયેલી તિબેટ બોર્ડર પર મોકલી આપ્યા છે.આ વિમાનોની તૈનાતી ભારત માટે ગંભીર સ્થિતિનો સંકેત આપી રહી છે.આ બાબત એ વાત પર ઈશારો કરી રહી છે કે, ભારતે જવાબી કાર્યવાહી માટે તૈયાર રહેવું પડશે.
ભારતીય લશ્કરના સેનાપતિ જનરલ એમ એમ નરવણેએ કહ્યું હતું કે લદ્દાખ સરહદે પરિસ્થિતિ બહુ ગંભીર છે. આપણે સરહદોના રક્ષણ માટે લેવા પડે એટલાં બધાં પગલાં લીધાં છે અને કદાચ યુદ્ધ થાય તો આપણા તરફથી પૂરતી તૈયારી કરવામાં આવી હતી. જનરલ નરવણે ત્રણ દિવસની સરહદી મુલાકાતે ગયા છે. તેમણે પેંગોંગ સરોવર અને એની આસપાસના વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે ભારતીય લશ્કરના કમાન્ડર્સ સાથે એક બેઠક પણ યોજી હતી અને પરિસ્થિતિનો ક્યાસ મેળવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આપણા જવાનોએ સરહદોને સાચવવા સારી એવી તૈયારી કરી રાખી હતી. દરેક જવાન સાબદો હતો.
તેમણે કહ્યું હતું કે આપણે વાટાઘાટ દ્વારા મતભેદો હલ કરવાના પ્રયાસ કરીએ છીએ. એ પ્રયાસો સફળ નહીં થાય અને જરૂર પડશે તો આપણે લશ્કરી પગલા માટે પણ તૈયાર છીએ. હાલ ચુશુલમાં આજે સવારે દસ વાગ્યાથી બંને પક્ષના પ્રતિનિધિઓની વાટાઘાટોનો પાંચમો રાઉન્ડ ચાલી રહ્યો હતો.SSS