Western Times News

Gujarati News

લવ જેહાદ કાયદાની કેટલીક કલમોની અમલવારી પર હાઈકોર્ટનો મનાઈ હુકમ

અમદાવાદ, લવ જેહાદના કાયદા બાબતે મોટા સમાચાર સામે આવ્યા છે. લવ જેહાદના કાયદાની અમુક કલમોની અમલવારી પર હાઇકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. ગુજરાત ધર્મ સ્વતંત્રતા (સુધારા) કાયદાની કલમ ૩, ૪, ૫ અને ૬માં લગ્નની બાબતમાં થયેલા સુધારાની અમલવારી ઉપર હાઈકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. આંતરધર્મીય લગ્નના કિસ્સાઓમાં માત્ર લગ્નના આધાર પર એફઆઈઆર થઈ શકશે નહિ તેવું હાઈકોર્ટે અવલોકન કર્યું છે. સાથે જ હાઈકોર્ટે કહ્યું કે, બળજબરી, દબાણ કે લોભ લાલચથી લગ્ન થયા છે તેવું પુરવાર કર્યા સિવાય એફઆઈઆર થઈ શકશે નહિ.

લવ જેહાદના કાયદા અંગે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેની આજે સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં લવ જેહાદની કેટલીક કલમ પર ગુજરાત હાઈકોર્ટ દ્વારા મનાઈ હુકમ ફરમાવવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાત ધર્મ સ્વતંત્રતા (સુધારા) કાયદાની કલમ ૩, ૪, ૫ અને ૬ માં મનાઈ હુકમ ફરમાવાયો છે. લગ્નના બાબત જે સુધારા થયા છે તેના પર હાઈકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે.

વિધર્મી યુવકો દ્વારા હિન્દુ યુવતીઓને લગ્નની લાલચ આપીને ધર્મ પરિવર્તનની પ્રવૃતિ અટકાવવા માટે વિધાનસભામાંથી પસાર કરાયેલા લવ જેહાદ (ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ) કાયદો ૧૫ જૂનથી ગુજરાતમાં લાગુ થઇ ચૂક્યો છે. અગાઉ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં આ કાયદો લાગુ કરવામાં આવી ચૂક્યો છે. ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક ૨૦૨૧ બિલ રજુ કર્યું હતું. જે વિધાનસભામાંથી પાસ થઇ ગયા બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પાસે ગયું હતું. જે મંજુર થયા બાદ સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આજથી ધર્મ સ્વાતંત્ર ધારા અધિનિયમ ૨૦૨૧નો અમલ શરૂ થઇ ચુક્યો છે. ગુજરાત સરકારે આ કાયદામાં ૫ વર્ષ સુધીની સજા અને ૨ લાખ રૂપિયાના દંડની, જ્યારે સગીર સાથેના ગુનામાં ૭ વર્ષની સજા અને ૩ લાખ રૂપિયાના દંડની જાેગવાઇ કરી છે.

આ ઉપરાંત અનુસૂચિત જાતી, જનજાતિની સ્ત્રી સાથેના ગુનામાં ૭ વર્ષની જાેગવાઇ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. લવ જેહાદનાં કિસ્સામાં નવી કલમ ૩ક દાખલ કરવામાં આવી છે. જેના પગલે વ્યક્તિ વિરુદ્ધ નારાજ થયેલા તેના માતાપિતા, ભાઇ બહેન અને લોહીના સગપણથી દત્ત વિધાન નથી ધરાવતી કોઇ પણ વ્યક્તિ હકુમત ધરાવતી વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી શકે છે. આ ઉપરાંત આવા કિસ્સામાં મદદગારી કરનારા વ્યક્તિ વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી થશે. તેની વિરુદ્ધ બિનજામીનપાત્ર ગુનો દાખલ થશે. આની તપાસ નાયબ પોલીસ અધીક્ષક કે તેનાથી ઉચ્ચ દરજ્જાના પોલીસ અધિકારીએ જ કરવાની રહેશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.