લવ જેહાદ માટે દેશવ્યાપી કાયદો લાગુ કરવાની કોઈ યોજના નથી, કેન્દ્રનો રાજ્યસભામાં જવાબ
નવી દિલ્હી, કેન્દ્ર સરકારે રાજ્ય સભાના વર્તમાન સત્રમાં પૂછાયેલા એક સવાલના જવાબમાં કહ્યુ છે કે, લવ જેહાદ માટે રાષ્ટ્રવ્યાપી કાયદો લાગુ કરવાની સરકારની કોઈ યોજના નથી.આ મુદ્દો રાજ્ય સરકારનો વિષય છે અને તેના પર કાયદો લાવવો કે નહીં તેની છૂટ રાજ્ય સરકારને છે.
કેરાલાના પાંચ સાંસદોએ પૂછેલા સવાલના જવાબમાં કેન્દ્ર સરકારે આ જવાબ આપ્યો હતો.સરકારે કહ્યુ હતુ કે, ધર્માંતરણ અથવા આંતરધર્મિય વિવાહ પર બેન લગાવવા માટે રાષ્ટ્રવ્યાપી કાયદાની કોઈ યોજના નથી.કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી કિશન રેડ્ડીના કહેવા પ્રમાણે ધર્માંતરણ સાથે જોડાયેલા અપરાધ, તેની ઓળખ અને તપાસ રાજ્યના હસ્તક છે.
ઉલ્લેખનીય છે કે, લવ જેહાદને રોકવા માટે ભાજપ શાસિત રાજ્યો મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ દ્વારા કાયદો લાગુ કરવામાં આવ્યો છે.જ્યારે હરિયાણા, આસામ અને કર્ણાટક જેવા રાજ્યોએ પણ આ માટેનો કાયદો લાગુ કરવા માટે જાહેરાત કરી છે.
જોકે ભાજપ સિવાયના પક્ષોની જ્યાં સરકાર છે ત્યાં આ પ્રકારનો કાયદો લાવવામાં આવ્યો નથી.લવ જેહાદના કાયદાને લાગુ કરાયા બાદ યુપી અને એમપીમાં સંખ્યાબંધ કિસ્સાઓમાં ધરપકડો પણ કરવામાં આવી છે.