લાંબા સમય સુધી બજારો બંધ રહેતા કાપડ ઉદ્યોગને ર૦૦૦ કરોડનું નુકશાન

પ્રોસેસ હાઉસ અને ગાર્મેન્ટ ઈન્ડસ્ટ્રીઝને પણ નુકશાનઃ શ્રમજીવીઓની જેમ વેપારીઓ પણ અમદાવાદ છોડીને વતન ચાલ્યા ગયા?
(એજન્સી) અમદાવાદ, અમદાવાદની વૈશ્વિક ઓળખ એવા કાપડ ઉદ્યોગને લાંબા સમય સુધી બંધ રહેલા બજારને કારણે રૂા.ર૦૦૦ કરોડનું નુકશાન થયુ છે. કાપડ ઇન્ડસ્ટ્રીઝ સાથે જાેડાયેલા પ્રોેસેસ હાઉસ અને ગાર્મેન્ટ ઈન્ડસ્ટ્રીઝને પણ ખાસ્સુ એવુ નુકશાન થયુ છે.
કોરોનાની બીજી લહેર શરૂ થતાંની સાથે જ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા અનેક મોટા શહેરોમાંથી શ્રમજીવીઓ વતન ચાલ્યા ગયા હતા. એવી જ રીતે હવે વેપારીઓ પણ ખુબ જ મોટી સંખ્યામાં વતન રવાના થઈ ગયા હોવાનું જાણવા મળ્યુ છે. હવે સરકાર દ્વારા બજાર ખોલવાની મંજુરી આપવામાં આવે અને ફરીથી કામધંધા પાટે ચડે ત્યારેે વેપારીઓ અને શ્રમજીવીઓ પરત આવે એવી સંભાવના છે.
મસ્કતી કાપડ મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતે જણાવ્યુ હતુ કે ગત વર્ષે કોરોનાને કારણે લાંબા સમય સુધી તમામ બજારો બંધ રહ્યા હતા. જેમાં કાપડ બજારને ઘણું નુકશાન થયુ હતુ. જાે કે બજારો શરૂ થતાંની સાથે જ કાપડ ઉદ્યોગ પોતાના મૂળ મિજાજમાં આવી ગયો હતો. અને ધીરે ધીરે ધંધા સેટ થ રહ્યા હતા. ત્યારે જ કોરોનાની બીજી લહેરના પ્રકોપથી બજારને ફરી એક વખત ગ્રહણ લાગ્યુ છે. કોરોનાનું સંક્રમણ વધતા વેપારીઓએ સ્વેૈચ્છીક બંધ રાખ્યા હતા.
તેમ છતાં કોરોના કાબુમાં ન આવતા સરકાર દ્વારા રાજયના તમામ મોટા શહેરોમાં તમામ વેપાર ધંધા બંધ રાખવાના આદેશ આપી દેવામાં આવ્યા હતા. જેના કારણે તમામ વેપાર ધંધા-ઉદ્યોગને ભારે નુકશાન થઈ રહ્યુ છે. કાપડના વેપારીના જણાવ્યા અનુસાર સ્વેૈચ્છીક બંધ અને સરકાર દ્વારા આપવામાં આવેલા બંધને કારણે લગભગ એક મહિના સુધી અમદાવાદની ૧૦૦થી વધુ કાપડ માર્કેટ અને મહાજન તથા પ૦ હજારથી વધુ કાપડની દુકાનો બંધ રહી છે.
મોટા હોલસેલરોના કામકાજ બંધ હોવાથી પ્રોસેસ હાઉસની પ્રિન્ટીંગ અને વોશિંગની કામગીરી બંધ છે. પ્રોસેસ કર્યા બાદ કપડાને ગાર્મેન્ટ ઈન્ડસ્ટ્રીમાં આપવામાં આવતા હોય છે. જે નહીં આપી શકાતા હોવાથી ગાર્મેન્ટ ઈન્ડસ્ટ્રીઝ પણ અત્યારેે ઠપ્પ છે. વેપારીઓના મતે આ બધુ મળીને સમગ્ર ઈન્ડસ્ટ્રીઝને અંદાજે ર૦૦૦ કરોડથી વધુનું નુકશાન થયુ છે. હવે તંત્ર દ્વારા કામ ધધો શરૂ કરવાની મંજુરી આપવામાં આવે નહીં તો ચોક્કસ વેપારીઓની મુશ્કેલીમાં વધારો થશે.
બજારો બંધ થવાના પહેલાં શ્રમજીવીઓએ વતનની વાટ પકડી હતી. બજારો બંધ થતાં કાપડના મોટાભાગના વેપારીઓ અને તેમના ત્યાં કામ કરતા કર્મચારીઓ પણ ખુબ જ મોટી સંખ્યામાં વતન ભેગા થઈ ગયા છે. વધુમાં ગૌરાંગ ભગતે જણાવ્યુ હતુ કે અત્યારે સિઝન છે અને જાે સરકાર બજાર ખોલવાની મંજુરી આપે તો કાપડ ઉદ્યોગ ઝડપથી બેઠો થઈ પાટે ચડી જાય એવી સંભાવના રહેલી છે.