લાંબી લડાઈ લડવા દરેક ગામમાંથી એક ટ્રેકટર, ૧૫ ખેડૂતો, તેમના ૧૦ દિવસની જરુર: રાકેશ ટિકૈત
નવી દિલ્હી, દિલ્હીની બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનના આગેવાન રાકેશ ટિકૈતે હવે સોશિયલ મીડિયા પર ધમકી આપી છે કે, દેશમાં હવે જે આંદોલન થશે તેમાં કોઈ બેરિકેડ નહીં હોય અને હશે તો તેને તોડી નાંખવામાં આવશે.
ટિકૈતે કહ્યુ હતુ કે, ટ્રેક્ટર ખેડૂતો માટે ટેન્ક છે અને લાંબી લડાઈ લડવા માટે દરેક ગામમાંથી એક ટ્રેકટર, ૧૫ ખેડૂતો અને તેમના ૧૦ દિવસની જરુર છે. આ જ ફોર્મ્યુલા પર આગળ આંદોલન ચલાવાનુ છે. ખેડૂતો જ્યાં સુધી નવા કાયદા પાછા નહીં ખેંચાય ત્યાં સુધી હટશે નહીં અને અચોક્કસ મુદત માટે વિરોધની તૈયારીઓ થઈ ચુકી છે.
તેમણે એમ પણ કહ્યુ હતુ કે, સરકાર ઉદ્યોગપતિઓના હાથની કઠપૂતળી બનીને કામ કરી રહી છે. વેપારીઓ સરકારને જે કહે છે તે જ પ્રમાણે સરકાર કામ કરે છે. પહેલા સરકારે ગોડાઉન બનાવી દીધા છે જેથી વેપારીઓ ખેડૂતો પાસેથી માલ લઈને સંઘરી શકે અને હવે તે માટેના કાયદા બનાવ્યા છે.
આ પહેલા ટિકૈતૈ કહ્યુ હતુ કે, ખેડૂત આંદોલન મુદ્દે સરકાર ચૂપ છે અને તેનાથી દેખાઈ રહ્યુ છે કે, સરકાર ખેડૂતો સામે કોઈ મોટી કાર્યવાહી કરવાના મૂડમાં છે. સરકારે ખેડૂતો સાથે ફરી વાતચીત શરુ કરવાનો પ્રસ્તાવ લઈને આગળ આવવુ પડશે.