લાંભામાં ટેન્ડરની મુદ્દત પૂર્ણ થઈ છતાં રોડ ના બન્યા

મ્યુનિ.શાસકોએ વિકાસ નકશામાંથી લાંભાની બાદબાકી કરી હોય તેવી ચર્ચા
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનમાં ૨૦૦૫માં સત્તાના સૂત્રોએ પુનઃ સંભાળ્યા બાદ ભાજપાએ સમાન અને સમતોલ વિકાસની વાતો કરી હતી.
પરંતુ વાસ્તવિકતા કાંઈક અલગ જ છે. ૨૦૦૬-૦૭માં જે વિસ્તારો મ્યુનિ.હદમાં લેવાયા હતા તે પૈકી મોટાભાગના વિસ્તારોના નાગરીકો પ્રાથમિક સુવિધા માટે વલખા મારી રહ્યાં છે
તથા વિકાસના નામે શૂન્ય છે. ભાજપના હોદ્દેદારો માટે આ મુદ્દે આવનાર મ્યુનિ.ચૂંટણી પડકારરૂપ બની શકે છે. છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન નવા વિસ્તારોમાં વિકાસ અને પ્રાથમિક સુવિધાના કામો ઓછી થયા છે.
જ્યારે વિકસિત, પોશ મોટા માથા રહેતા હોય તેવા વિસ્તારોમાં ‘ખાતર ઉપર દિવેલ’ની જેમ આંખ મીચીને ખર્ચ થઈ રહ્યાં છે.
શહેરના છેવાડે આવેલા વટવા, વિંઝોલ, ઓઢવ, લાંભા સહિતના વિસ્તારોને વિકાસના નકશામાંથી બાદ કરવામાં આવ્યા હોય તેમ લાગી રહ્યું છે. તેમાં પણ લાંભા વોર્ડની સ્થિતિ અત્યંત ખરાબ છે.
આ વોર્ડમાં પાંચ વર્ષ દરમ્યાન ઉડીને આંખે વળગે તેવા કોઈ કામ કોર્પાેરેટરો દ્વારા કરવામાં આવ્યા નથી. જ્યારે પાંચ વર્ષમાં માત્ર એક વખત રોડના કામનું ટેન્ડર મંજૂર થયું હતું. તેની મુદ્દત પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ રોડનું કામ થયું નથી.
શહેરના પ્રવેશદ્વાર સમાન લાંભા વોર્ડની સ્થિતિ ૨૦૧૫માં હતી તેમાં લેશમાત્ર સુધારો થયો નથી. લાંભા વોર્ડના વિકાસ માટે સત્તાધારી પાર્ટીએ ૨૦૧૮-૧૯માં રૂા.૭૦ કરોડની ફાળવણી કરી હતી.
પરંતુ સદર રકમમાંથી કયાં અને કેવો વિકાસ થયો ? તે બાબત સુધ્ધાહાર છે. લાંભા વોર્ડમાં નાના-મોટા ૧૫ જેટલાં ગામોનો સમાવેશ થાય છે. જેમાં પાંચ વિધાનસભા અને ત્રણ લોકસભા પણ લાંભામાં આવી જાય છે. તેમ છતાં આ વોર્ડમાં વિકાસના નામે શૂન્ય છે.
વિધાનસભા ચૂંટણી સમયે મતદારોને ખુશ કરવા માટે ટી.પી. ૫૭-૫૮માં રોડ-રસ્તા બનાવવાના ટેન્ડર મંજૂર કરવામાં આવ્યા હતા.
ચોંકાવનારી બાબત એ છે કે બે વર્ષ પહેલાં મંજૂર થયેલા ટેન્ડરના કામ હજી સુધી થયા નથી. સ્થાનિકોમાં ચાલતી ચર્ચા મુજબ લાંભા વોર્ડના નામે ટેન્ડર મંજૂર કર્યા બાદ કોઈ મોટા માથાને ખુશ કરવા અન્ય વિસ્તારમાં કામ થઈ ગયા હશે.
લાંભા વોર્ડમાં દોઢ વર્ષ પહેલાં રૂા.૧૧ કરોડના ખર્ચથી સ્ટ્રોમ વોટર લાઈન નાંખવાના કામ શરૂ થયા હતા. જે હજી હવે પૂર્ણ થવા આવ્યાં છે. નોંધનીય બાબત એ છે કે સ્ટ્રોમ વોટરના કામ પૂર્ણ થવા આવ્યા છે ત્યારે સ્ટ્રોમ વોટર પમ્પીંગ સ્ટેશનના ટેન્ડર મંજૂર થયા છે. જેના કારણે ચાલુ વર્ષે પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યા જાેવા મળી હતી.
લાંભા (પૂર્વ) વોર્ડ કે જે નવા સીમાંકન વટવા વોર્ડમાં સામેલ થયો છે તેમાં થોડા ઘણા પ્રજાલક્ષી અને વિકાસના કામ થયા છે.
સ્થાનિક ધારાસભ્ય અને ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની દીર્ધદ્રષ્ટિના કારણે આ વિસ્તારમાં ટેનિસ કોર્ટ અને અર્બન હેલ્થ સેન્ટરના કામ પૂરા થયા છે. જ્યારે બગીચા, પાર્ટી પ્લોટ અને જીમ્નેશીયમના કામ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યાં છે.
લાંભા વોર્ડના નાગરીકોની સૌથી મોટી કમનસીબી આ વોર્ડના કોર્પાેરેટરો છે. લાંભામાં ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક કોર્પાેરેટર છે.
ચાર પૈકી કોર્પાેરેટરને પ્રજાકીય કામો કરતાં ગેરકાયદેસર બાંધકામના વહીવટમાં વધારે રસ હોવાની ચર્ચા સ્થાનિકો કરી રહ્યાં છે. કોંગ્રેસના એક માત્ર કોર્પાેરેટર પલકબેન પટેલે ‘લાંબા (પૂર્વ)’માં તેમના બજેટમાંથી કોઈપણ કામ કરાવ્યા નથી.
તેમજ આ વિસ્તારમાં તેમના સ્વજનો સિવાય કોઈ ઓળખતા હોય તેવી કોઈ શક્યતા નથી. આ જ પરિસ્થિતિ ભાજપના કોર્પાેરેટરોની પણ છે. લાંભા (પૂર્વ)ના ૧૦ હજાર કરતા વધુ મતદારો કોર્પાેરેટરોના નામ અને ચહેરાથી ભાગ્યે જ પરિચિત હશે.
આ વિસ્તાર વટવામાં સામેલ થયા બાદ લાંભાના કોર્પાેરેટરોએ મી.ઈન્ડિયા બની ગયાં છે. તથા પહેલાં વાર-તહેવારે દેખાતા હતા તે પણ બંધ થઈ ગયા છે. કોરોનાકાળમાં પણ પ્રજાની પડખે એક પણ કોર્પાેરેટર ઉભા રહ્યા નથી.
![]() |
![]() |