લાંભામાં રૂા.ર૬ કરોડના ખર્ચથી સ્ટ્રોમ વોટર પમ્પીંગ સ્ટેશન બનશે
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એડવાન્સ ટેક્ષ રીબેટ યોજનાની મુદત લંબાવવામાં આવી છે. જયારે લાંભા વિસ્તારમાં સ્ટ્રોમ વોટર પમ્પીંગ સ્ટેશન અને ડ્રેનેજ લાઈનના કામ સ્ટે. કમીટી દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાંભા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે રૂા.૧૧ કરોડના ખર્ચથી સ્ટ્રોમ વોટર લાઈન નાંખવામાં આવી રહી છે.
જેનું કામ સપ્ટેમ્બર- ર૦૧૯માં શરૂ થયુ હતુ. લોકડાઉનના કારણે કામમાં વિલંબ થયો છે. સાથે-સાથે મ્યુનિ. શાસકોની બેદરકરી પણ સામે આવી છે. વરસાદી લાઈનમાંથી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર પમ્પીંગ સ્ટેશન બનાવવા જરૂરી છે. સામાન્ય રીતે પમ્પીંગ સ્ટેશનની ટેન્ડર પ્રક્રિયા સ્ટ્રોમ લાઈનની સાથે જ કરવામાં આવે છે.
પરંતુ આ કિસ્સામાં સ્ટ્રોમ લાઈનનું કામ શરૂ થયા બાદ સ્ટ્રોમ વોટર પમ્પીંગ સ્ટેશનના ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા. અગમ્ય કારણોસર વોટર સપ્લાય કમીટી તરફથી આ ટેન્ડર નામંજુર કરવામાં આવ્યા હતા તથા શોટ ટર્મ ટેન્ડર જાહેર કરવા સુચના આપી હતી. મ્યુનિ. ડ્રેનેજ પ્રોજેકટ વિભાગ દ્વારા શોર્ટ ટર્મ ટેન્ડરમાં પણ વિલંબ થયો હતો.
દરમ્યાન માર્ચ મહીનાના અંતિમ સપ્તાહથી લોકડાઉન જાહેર થતા વધુ કાર્યવાહી થઈ ન હતી, આ કિસ્સામાં વિચારવા લાયક બાબત એ છે કે લોકડાઉન કે કોરોનાની સમસ્યાનું નિર્માણ થયુ ન હોત તો સ્ટ્રોમ લાઈનનું કામ એપ્રિલ મહીનાના અંત સુધીમાં પૂર્ણ થઈ જાય તેમ હતુ. જયારે પમ્પીંગ સ્ટેશન તૈયાર કરવામાં આઠથી દસ મહીનાનો સમય લાગી શકે છે.
તેથી તંત્ર દ્વારા કરવામાં આવેલ રૂા.૧૧ કરોડનો ખર્ચ “પાણી”માં જાય તેવી સો ટકા શક્યતા હતી. અધૂરા આયોજન અને દીર્ધદ્રષ્ટિના અભાવના કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. આ વિસ્તારમાં સ્ટ્રોમ લાઈન માટે ખોદકામ થયા બાદ યોગ્ય રીતે લેવલીંગ કરવામાં આવ્યુ નથી જેના કારણે સમગ્ર વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જાય છે. સાથે સાથે ખોદકામ કરવામાં આવેલ રોડ ભયજનક પણ બની રહયા છે. મ્યુનિ. ઈજનેર વિભાગ અને કોર્પોરેટરોની બેદરકારીનો ભોગ નાગરીકો બની રહયા છે.
મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન અમુલભાઈ ભટ્ટના જણાવ્યા મુજબ સરકારની આત્મનિર્ભર યોજના અંતર્ગત કોમર્શીયલ મિલ્કતો માટે ર૦ ટકા રીબેટ યોજના ચાલી રહી છે તેથી મ્યુનિ. કોર્પોરેશને પણ એડવાન્સ ટેક્ષ રીબેટ યોજનાની મુદત ૩૧ ઓગષ્ટ લંબાવી છે. જેનો લાભ રહેણાંક અને કોમર્શીયલ એમ બંને મિલ્કત ધારકોને મળશે.
લાંભામાં રૂા.ર૬ કરોડના ખર્ચથી સ્ટ્રોમ વોટર અને ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશનના કામ મંજુર કરવામાં આવ્યા છે. જયારે વિંઝોલમાં રૂા.૧ર કરોડના ખર્ચથી ડ્રેનેજ લાઈનના કામને મંજુર કરવામાં આવ્યુ છે. શહેરના રોડ-રસ્તાને રૂા.૪૦ કરોડના ખર્ચથી રીસરફેસ કરવામાં આવશે. શહેરના પાલડી, વાસણા, બોડકદેવ તથા ગોતા વિસ્તારના રોડ રીસરફેઈસ થશે. જયારે ચાંદલોડીયા વિસ્તારના છારોડી તળાવને રૂા.પાંચ કરોડના ખર્ચથી ડેવલપ કરવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં ઘાટલોડીયાના કોર્પોરેટર જતીનભાઈ પટેલે ટીસીએસની નબળી કામગીરી સામે રજુઆત કરી હતી તેમના જણાવ્યા મુજબ મિલ્કતવેરામાં વપરાશ પરિબળના ફેરફાર થયા બાદ પણ ટેક્ષની રકમમાં ઘટાડો થતો નથી ટીસીએલના સોફટવેર ખામીયુક્ત હોવાથી આ પ્રકારના સુધારા થતા નથી.
જયારે ખાડીયાના કોર્પોરેટર ભાવનાબેન નાયકે કાલુપુર દરવાજા પાસે કોર્પોરેશનની કિંમતી જમીન પર થયેલા દબાણોનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. નોંધનીય બાબત એ છે કે છેલ્લા બે વર્ષથી આ પ્લોટ મામલે રજુઆત થઈ રહી છે પરંતુ હજી સુધી કોઈ જ નિરાકરણ આવ્યુ નથી. કોર્પોરેટર ચંદ્રાવતીબેન ચૌહાણે ખારીકટ કેનાલની આસપાસના વિસ્તારમાં મસી નો ત્રાસ વધી રહયો હોવાથી ફોગીંગ માટે રજુઆત કરી હતી.