Western Times News

Gujarati News

લાઈટબીલ ભરવા જતા એક લાખથી વધુ રૂપિયા ગુમાવ્યા

અમદાવાદ: શહેરના ઇસનપુર વિસ્તારમાં રહેતા ૪૯ વર્ષીય આધેડ છેતરપીંડીનો ભોગ બન્યા છે. તેઓ ૨૧૧૦ રૂપિયા લાઈટબીલ મોબી કવિક વડે ભરવા જતા હતા પણ પેમેન્ટ ન થતા તેઓના ખાતામાંથી ૨૦૭૦ રૂપિયા કપાઈ ગયા હતા. જેથી તેમણે મોબી કવિકનો કસ્ટમર કેર નમ્બર ગૂગલ પર સર્ચ કર્યા બાદ તેઓ ઠગબાજોનો શિકાર બન્યા અને એક લાખથી વધુની રકમ તેઓએ ગુમાવી હતી. ઇસનપુરમાં આવેલા ચામુંડા પાર્કમાં કરણભાઈ દેસાઈ નામના આધેડ રહે છે.

તેઓ ડ્રાઇવર તરીકે નોકરી કરે છે અને મોબી કવિક વોલેટનું એકાઉન્ટ તેમના બેન્ક એકાઉન્ટ સાથે જોડાયેલું છે. ગત જુલાઈ માસમાં તેમના માતા પિતાના રહેઠાણનું ૨૧૧૦ રૂપિયા લાઈટ બિલ તેમણે આ મોબી કવિક થકી ભર્યું હતું. જોકે આ બિલ ભરાયું ન હતું અને તેનો મેસેજ પણ આવ્યો હતો. પણ ખાતામાંથી તેમના ૨૦૭૦ રૂપિયા કપાઈ ગયા અને તે એક અઠવાડિયામાં પરત મળશે તેવો મેસેજ આવ્યો પણ રૂપિયા મળ્યા નહિ. જેથી તેઓએ મોબી કવિક કસ્ટમર કેરનો નમ્બર ગૂગલ પર સર્ચ કર્યો હતો. તેમાં જે નમ્બર મળ્યો તેમાં ફોન કર્યો તો સામે વાળી વ્યક્તિએ કવિક સપોર્ટ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી.

બાદમાં અન્ય નમ્બર પરથી કરણભાઈ ને ફોન આવ્યો અને એક લિંક મોકલી આપી હતી. આ લિંક અન્ય કોઈને ફોરવર્ડ કરવાનું જણાવી ફોન પર જ બેન્ક ખાતાની માહિતીઓ માંગી હતી. આ માહિતીઓ થકી ગઠિયાઓએ તેમના બે અલગ અલગ બેન્ક એકાઉન્ટમાંથી ૧ લાખ થી વધુની રકમ ચાઉં કરી લીધી હતી. કરણભાઈને પોતે છેતરાયા હોવાની જાણ થતા જ તેમણે પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવતા પોલીસે હવે આ મામલે તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.