લાઈફ સપોર્ટ પરની સ્ત્રીએ બાળકને જન્મ આપ્યો
નવી દિલ્હી: બેંગાલુરૂની ૩૭ વર્ષીય સુમા (નામ બદલ્યું છે)ને કોરોના થયો હતો. તબીયત ખરાબ થતાં તેમને હોસ્પિટલમાં ભરતી કર્યા હતા જ્યાં ૩૬ દિવસ સુધી તે ફક્ત લાઈફસપોર્ટ પર જ ના રહ્યા પરંતુ વેન્ટિલેટર પર હતા તે દરમિયાન એક સ્વસ્થ દિકરાને જન્મ પણ આપ્યો. તેઓ ૫૫ દિવસ સુધી કોરોના વાયરસ સામે લડ્યા હતા અને અંતે સાજા થઈને પરત ફર્યા. સુમા ૩૬ દિવસ સુધી લાઈફસપોર્ટ પર રહ્યા હતા અને ૧૯ દિવસ આઈસીયુમાં રહ્યા હતા. બેંકમાં કામ કરતી સુમાને કોવિડ-૧૯નો ચેપ લાગ્યો હતો ત્યારે તેમને ૩૧ સપ્તાહનો ગર્ભ હતો. જેના કારણે તેમને ૨૧ મેએ એપોલો હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. તેમની તબીયત ખરાબ થવા લાગી હતી અને તેમના ફેફસા યોગ્ય રીતે કામ કરતા ન હતા.
તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા અને બે દિવસ બાદ તેમણે સિઝેરિયન દ્વારા બાળકને જન્મ આપ્યો હતો. બાળક સ્વસ્થ અને કોરોના નેગેટિવ હતું. સુમાના પતિ આઈટી પ્રોફેશનલ છે અને તેમને છ વર્ષનું બીજુ બાળક પણ છે. જાેકે, બાદમાં મહિલાની તબીયત વધારે લથડી હતી. ન્યૂમોલોજી ટીમ, ક્રિટિકલ કેર ટીમ, ઈન્ફેક્શિયસ ડિસિઝ નિષ્ણાંત, કાર્ડિયાક એનેસ્થેસિયોલોજિસ્ટ અને કાર્ડિયાક સર્જરીની બનેલી ટીમ તેની સારવારમાં જાેડાઈ હતી. કાર્ડિયાક સર્જરીના ડોક્ટર અરૂલ ફુર્તાડોએ જણાવ્યું હતું કે મહિલાની તબીયતમાં સુધારો જાેવા મળ્યો હતો
પરંતુ ત્રણ દિવસ બાદ તેમના ફેફસામાં ગરબડ થવાની શરૂઆત થઈ હતી અને તેમાં યોગ્ય માત્રામાં ઓક્સિજન રહી શકતો ન હતો. જેના કારણે તેમને ઈસીએમઓ પર મૂકવામાં આવ્યા હતા. ઈસીએમઓ ફેફસા જેવું કામ કરે છે. તે ફેફસામાંથી કાર્બન ડાયોક્સાઈડ દૂર કરે છે અને ઓક્સિજન પૂરો પાડે છે. જેના કારણે ફેફસાને કોવિડ ન્યૂમોનિયામાંથી સાજા થવામાં મદદ મળે છે. તેમણે કહ્યું હતું કે, ઈસીએમઓ વગર સુમા કદાચ બચી શક્યા ન હોત
તેમના બચવાની શક્યતા ૩૦થી ૩૫ ટકા જેટલી જ હતી. ન્યૂમોનોલોજી ટીમના વડા ડોક્ટર રવિન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે, સુમાનું બ્લડ પ્રેશર નીચે જતું રહ્યું હતું અને તે સેપ્ટિક શોકમાં જતા રહ્યા હતા. તેમને ઘણી બધી એન્ટિબાયોટિક્સ આપવામાં આવી હતી તથા હાઈ ડોઝ આપવામાં આવ્યા હતા. બ્રોન્કોસ્કોપી દ્વારા તેમના ફેફાસને ક્લીન કરવામાં આવ્યા હતા.