લાઈ-ફાઈ ટેકનોલોજી દેશના સશસ્ત્ર દળો માટે ગેમ ચેન્જર સાબિત થશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/10/LifiTechnology.jpg)
અમદાવાદ સ્થિત નવ વાયરલેસ ભારતની એકમાત્ર કંપની છે જેણે હિસર ખાતે યોજાયેલા સપ્ત શક્તિ વોર ટેક એક્ઝિબિશનમાં લાઈ-ફાઈ ટેકનોલોજીનું પ્રદર્શન કર્યું
અમદાવાદ, અમદાવાદ સ્થિત ટેક સોલ્યુશન પ્રોવાઈડર નવ વાયરલેસ ટેકનોલોજીસ પ્રાઈવેટ લિમિટેડને તાજેતરમાં હરિયાણાના હિસર મિલિટરી સ્ટેશન ખાતે યોજાયેલી સપ્ત શક્તિ વોર ટેક એક્ઝિબિશન ખાતે બહોળો પ્રતિસાદ મળ્યો છે. ઉલ્લેખનીય છે કે આ એકમાત્ર ભારતીય કંપની છે જેને લાઈ-ફાઈ (લાઈટ ફિડેલિટી) ટેકનોલોજીનો ભારતીય સશસ્ત્ર દળો માટે સંભવિત ઉપયોગ માટે ટોચના લશ્કરી અધિકારીઓ સમક્ષ પ્રદર્શિત કરવા માટે આમંત્રણ અને મંજૂરી આપવામાં આવી હતી.
આ પ્રદર્શન ભારતીય સૈન્યના સાઉથ વેસ્ટર્ન કમાન્ડ દ્વારા યોજવામાં આવ્યું હતું જેમાં સૈન્યના ટોચના અધિકારીઓ અને અન્ય સરકારી અધિકારીઓ, ટેકનોલોજી નિષ્ણાંતો અને શિક્ષણવિદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રદર્શન યોજવા પાછળનો ઉદ્દેશ વપરાશકારોના ધ્યેય અને ઉદ્યોગના પ્રયાસોને એકસાથે લાવવાનો હતો જેથી સમાન લક્ષ્યાંકો હાંસલ કરી શકાય.
આ અંગે નવ વાયરલેસ ટેકનોલોજીસ પ્રાઈવેટ લિમિટેડના ચીફ ટેકનોલોજી ઓફિસર અને સહસ્થાપક શ્રી હાર્દિક સોનીએ જણાવ્યું હતું કે “સંરક્ષણ ક્ષેત્રે સૌપ્રથમ વખત યોજાયેલા આ પ્રદર્શનમાં અમને વ્યાપક પ્રતિસાદ સાંપડ્યો છે. અમે સૈન્યના ટોચના અધિકારીઓ સમક્ષ અમારી લાઈ-ફાઈ ટેકનોલોજી આધારિત નવીનતમ પ્રોડક્ટ્સ પ્રદર્શિત કરી હતી અને વ્યૂહાત્મક વિચારો રજૂ કર્યા હતા. સૈન્યના અધિકારીઓ આ ટેકનોલોજીથી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને માન્યું હતું કે આવી ટેકનોલોજીની આપણા સશસ્ત્ર દળો માટે તાકિદે જરૂર છે.”
“આપણી કમાન્ડ પોસ્ટની સતર્કતા અને ગુપ્ત કામગીરીમાં સુધારા લાવવા માટે લાઈ-ફાઈ ટેકનોલોજી ખૂબ જ ઉપયોગી થઈ શકે તેમ છે. સરળ લાઈટ ઓમેટિંગ ડિઓડ્સ (એલઈડી) થકી લાઈ-ફાઈ ડેટા ટ્રાન્સમિટ કરે છે જે વાઈ-ફાઈ ટેકનોલોજી કરતાં વધુ અસરકારક, સુરક્ષિત અને વધુ ઝડપી છે. આગામી ભવિષ્યમાં લાઈ-ફાઈ ટેકનોલોજી આપણા સશસ્ત્ર દળો માટે ગેમ ચેન્જર સાબિત થશે” એમ તેમણે ઉમેર્યું હતું.
લાઈ-ફાઈ મોબાઈલ વાયરલેસ ટેકનોલોજી છે જે ડેટા ટ્રાન્સમિટ કરવા માટે રેડિયો ફ્રિકવન્સીના બદલે લાઈટનો ઉપયોગ કરે છે. તે વિઝ્યુઅલ લાઈટ સ્પેક્ટ્રમનો ઉપયોગ કરે છે જેને હેક કરવું દેખીતી રીતે શક્ય જ નથી. લાઈ-ફાઈનો એક ફાયદો એ છે કે તે કમાન્ડ સ્ટેશન્સ, સૈનિકો અને શસ્ત્ર-સરંજામની હેરફેર, રડાર કમ્યૂનિકેશન વગેરે જેવા ઈલેક્ટ્રોમેગ્નેટિક રીતે સંવેદનશીલ વિસ્તારોમાં ઈલેક્ટ્રોમેગ્નેટિકને ખલેલ પહોંચાડ્યા વગર કામ કરી શકે છે. વિઝિબલ લાઈટ સ્પેક્ટ્રમ સમગ્ર રેડિયો ફ્રિકવન્સી સ્પેક્ટ્રમ કરતાં 10,000 ગણું મોટું છે. હાલના બ્રોડબેન્ડ ઈન્ટરનેટ કરતાં તે ઘણું જ ઝડપી અને વાઈ-ફાઈ કરતાં 10 ગણું સસ્તું છે.
આ ક્રાંતિકારી ટેકનોલોજી વિશે લેફ્ટનન્ટ કર્નલ અયન ચૌધરીએ જણાવ્યું હતું કે “આ એવી ટેકનોલોજી છે જેનું ડિફેન્સ ટેકનોલોજીમાં ભવિષ્ય દેખાય છે અને આગામી સમયમાં તે એક શક્તિશાળી તાકાત તરીકે કામ કરી શકે અને સશસ્ત્ર દળોમાં હાલની કમ્યૂનિકેશન સિસ્ટમનું સ્થાન લઈ શકે છે.”
લાઈ-ફાઈ ટેકનોલોજી તેની લાક્ષણિકતાઓના લીધે સશસ્ત્ર દળો માટે મુખ્ય અને સ્વાભાવિક આકર્ષણનું કેન્દ્ર છે. જોકે લશ્કરી દળો સિવાયના ક્ષેત્રે પણ તે અનેક રીતે મહત્વની સાબિત થઈ શકે છે.