લાખોના ખર્ચે નડિયાદમાં બની રહેલા રોડમાં ખામી દેખાતાં ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા
નડિયાદમાં આવેલા જિલ્લા પંચાયતના રોડના કામમાં ખામીને લઈને ઉચ્ચકક્ષાએ રજૂઆત થઈ
(પ્રતિનિધિ)નડિયાદ, ખેડા જિલ્લા પંચાયત હસ્તકના નડિયાદમાં નગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલા બારકોસિયા રોડની કામગીરીમાં શરૂઆતથી જ વિવાદો સર્જાઇ રહ્યા છે એમાય વળી માર્ગ અને મકાન વિભાગના અધિકારીની બેદરકારીના કારણે રોડ બનતા પહેલા જે મહત્વની કામગીરી છે તે પૂર્ણ કરવી જોઈએ પરંતુ તેમણે કરી ના હોવાના આક્ષેપો પ્રજામાં ઉઠવા પામ્યા છે આ બાબત રજૂઆત જિલ્લા કલેકટરને થઈ છે ત્યારે જિલ્લા કલેકટર આવા બેદરકાર અધિકારી સામે પગલાં ભરે તેવી પણ માંગ ઉઠવા પામી છે.
નડિયાદ પાલિકા હદ વિસ્તારમાં જિલ્લા પંચાયત હસ્તક નો રોડ એટલે કે બાર કોશિયા રોડ પસાર થાય છે આ રોડને લાખોના રૂપિયાના ખેંચે નવીકરણ કરવા માટે થોડા સમય પહેલા જ જિલ્લા પંચાયત દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે પરતું આ રોડ પર ક્ષતિયુક્ત કામગીરી થતી હોવાની રજૂઆતો થતાં અંતે ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર નીરીક્ષણ માટે દોડી આવ્યા હતા. જ્યાં સ્થાનિક અગ્રણીઓએ અધિકારીઓને તમામ બાબતો અંગે રજૂઆત કરી હતી, આ મામલે જિલ્લા કલેક્ટરે પણ સીધો હસ્તક્ષેપ કરી સમગ્ર મામલે યોગ્ય કામગીરી થાય તે માટે નિર્દેશો આપ્યા છે.
આ રોડ ની કામગીરી કરતા પહેલા વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોંગ વોટર સિસ્ટમ કરવા માટે માગ ઉઠી છે. તો આ સાથે જ આ રોડ ૧૮ મીટરનો બનાવવાનો છે, જ્યાં વચ્ચે આ ૧૮ મીટરમાં જ મધ્ય ગુજરાત વીજ કંપની લિ.ના ડીપી થાંભલા આવેલા છે. આ થાંભલા ખસેડવા માટે માર્ગ અને મકાન વિભાગે પહેલા કામગીરી શરૂ કરવી જોઈએ તેવું પ્રજા કહે છે
દબાણો જે નકશા મુજબ ગેરકાયદેસર અને બિનઅધિકૃત બાંધકામો છે, તે પણ તોડવાના થાય છે, આ દબાણો પણ તોડાયા નથી. આ વચ્ચે દાહોદની એજન્સીને કોન્ટ્રાક્ટ મળતા તેણે છેલ્લા ૧૫ દિવસ ઉપરાંતથી આ રોડના નવીનીકરણની કામગીરી શરૂ કરી દીધી હતી. જેના કારણે સ્થાનિક અગ્રણીઓએ આ મામલે ક્ષતિઓ હોવા છતાં કામગીરી થતી હોવાથી ભારોભાર વિરોધ નોંધાવ્યો હતો
અને આ સમગ્ર મામલે યોગ્ય રીતે રોડ બનાવતા પહેલા તમામ ક્ષતિઓ પૂર્ણ કરવામાં આવે, ત્યારબાદ જ રોડના નવીનીકરણની કામગીરી કરાય, તે અંગે વારંવાર રજૂઆતો અને માંગણી કરી હતી. તેમ છતાં એજન્સીએ કામગીરી ચાલુ જ રાખતા સ્થાનિકો રોષે ભરાયા હતા અને આ અંગે ઉચ્ચ કક્ષાએ લેખિત અને મૌખિક રજૂઆતોનો મારો ચલાવ્યો હતો.
અત્રે નોંધનીય છે કે જિલ્લા પંચાયતની નડિયાદમાં આવેલી માર્ગ અને મકાન વિભાગની કચેરીના નાયબ ઇજનેર ની આમા બેદરકારી હોવાના આક્ષેપો પણ પ્રજા કરી રહી છે છેલ્લા ઘણા સમયથી એક જ જગ્યા પર રહેલા આ અધિકારી પોતાની મનમાની કરતા હોવાની બુમો પણ ઉઠી છે ત્યારે જિલ્લા કલેકટર આ બાબતે તપાસ કરી જો અધિકારીની બેદરકારી હોય તો તેમની સામે પગલાં ભરે તેવી માંગ છે
આ બાબતે માગ અને મકાન વિભાગના નાયબ ઇજનેર રાઠોડ ને પૂછતા તેમણે જણાવ્યું હતું કે હાલમાં નાનું મોટું કામ ચાલે છે જે મુદ્દા ઉઠ્યા છે તેનું નિરાકરણ લાવવામાં આવશે.