Western Times News

Gujarati News

લાખોની કિંમતના ૨૫ કેમેરા ચોરનારો ચોર જબ્બે

ચેન્નઈ, લગ્નપ્રસંગમાં મહેમાન તરીકે આવેલા વ્યક્તિ અથવા ટોળકીએ ચોરી કરી હોવાના ઘણાં કિસ્સાઓ અત્યાર સુધી જાણવા મળ્યા છે. ત્યારે તમિલનાડુના ચેન્નઈમાં પણ લગ્નપ્રસંગમાં મહેમાન તરીકે આવેલા એક શખસે ત્યાં હાજર ફોટોગ્રાફર્સના કેમેરા ચોરી કર્યા હોવાની ચોંકાવનારી ઘટના બની છે.

૫૧ વર્ષીય શખસની ધરપરડ કરાઈ ત્યારે તેણે લગ્નપ્રસંગોમાંથી કથિત રીતે લાખોની કિંમતના લગભગ ૨૫ કેમેરા ચોરી કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ શખસે છેલ્લા ૬ વર્ષના સમયગાળા દરમિયાન વિવિધ લગ્નપ્રસંગોમાંથી કેમેરા ચોરી કર્યા છે. આ શખસનું નામ સમસુદ્દીન હોવાનું જાણવા મળ્યું છે કે જેણે મહેમાન તરીકે વિવિધ લગ્નપ્રસંગોમાં હાજરી આપીને ત્યાંથી કેમેરા ચોરી કર્યા છે. લગ્નપ્રસંગમાં જ્યારે ફોટોગ્રાફરનું ધ્યાન હોય નહીં અને કેમેરો એકબાજુ હોય ત્યારે આ શખસ તે કેમેરાની ચોરી કરતો હતો.

સમસુદ્દીન નામનો આ શખસ સાઈકલ લઈને લગ્નપ્રસંગમાં હાજરી આપવા માટે જતો હતો કે જેથી તેની સ્થાનિક વ્યક્તિ તરીકેની ઓળખ ઊભી થઈ હતી.

પોલીસે જણાવ્યું કે ઘણાં એવા ફોટોગ્રાફર્સ કે જેમણે પોતાના કેમેરા ગુમાવ્યા હતા તેઓ સોશિયલ મીડિયા પર આ બાબતે જણાવી ચૂક્યા છે. લગ્નપ્રસંગમાંથી કેમેરા ચોરી થયા હોવાના કેસની તપાસ જ્યારે પોલીસે શરૂ કરી ત્યારે સીસીટીવી ચેક કરતા પોલીસને આ શખસ વિશે જાણવા મળ્યું કે જે સાઈકલ લઈને લગ્નપ્રસંગોમાં આવતો હતો.

ત્યારે રવિવારે પણ આ શખસ સાઈકલ પર આવતો જાેવા મળ્યો હતો અને જ્યારે લગ્નપ્રસંગમાં પ્રવેશવા જઈ રહ્યો હતો ત્યારે પોલીસે તેની અટકાયત કરી હતી.

પોલીસે જણાવ્યું કે સમસુદ્દીન નામનો આ શખસ દારૂડિયો હતો. તે જે કોઈ લગ્નપ્રસંગમાં જાય ત્યાં ફોટોગ્રાફર્સ પર નજર રાખતો અને જ્યાં સુધી આ ફોટોગ્રાફર્સ જમવા જાય નહીં ત્યાં સુધી ત્યાં બેસીની રાહ જાેતો. ત્યારબાદ ફોટોગ્રાફર્સની નજરથી બચીને તેઓના મોંઘા કેમેરા ચોરતો હતો. લગ્નપ્રસંગમાંથી ચોરેલા કેમેરા દલાલને વેચતો હતો અને તેમાંથી જે પૈસા મળે તેનો દારૂ પીતો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.