લાગ્યું હતું કે હું મારો બોલિંગ રન-અપ ભૂલી ગયો છું : ચહલ

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટર્સ માટે હવે આરામનો સમય પૂરો થઈ ગયો છે અને તેઓ હવે યુએઈમાં ૧૯ સપ્ટેમ્બરથી શરૂ થનારી આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમવા માટે તૈયાર છે. જોકે, લોકડાઉનના કારણે તમામ ક્રિકેટર્સને ફરજીયાત ઘરે રહેવું પડ્યું હતું. પરંતુ લોકડાઉન દરમિયાન પણ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ ઘણો વ્યસ્ત રહ્યો હતો અને સોશિયલ મીડિયા પર ઘણો જ એક્ટિવ રહ્યો હતો. છેલ્લા પાંચ મહિનામાં તે ટિકટોક સ્ટાર બની ગયો હતો. એટલું જ નહીં તેણે સગાઈ પણ કરી લીધી છે. એક અખબારને આફેલા ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે લોકડાઉન દરમિયાન ક્રિકેટના અભાવે તેને એક સમયે એવું લાગ્યું હતું કે તે પોતાનો બોલિંગ રન અપ ભૂલી ગયો છે.
![]() |
![]() |
ચહલે લોકડાઉનનો ઉપયોગ પોતાની ફિટનેસ માટે કર્યો હતો. તેણે કહ્યું હતું કે લોકડાઉન ઘણું લાબું રહ્યું. જ્યારે લોકડાઉન શરૂ થયું ત્યારે મેં મારા ઘરે જ જીમના સાધનો મંગાવી લીધા હતા અને પ્રથમ બે મહિના મેં વર્ક આઉટ કર્યું હતું. ત્યારબાદ મેં ૧૨ દિવસનો બ્રેક લીધો હતો. અનલોક દરમિયાન મેં બોલિંગની પ્રેક્ટિસ શરૂ કરી હતી અને બાદમાં વરસાદ આવી ગયો હતો. તેથી મારે ફરીથી ક્રિકેટ બંધ કરવું પડ્યું. હું ૧૪-૧૫ વર્ષ બાદ આટલો સમય મારા પરિવાર સાથે રહ્યો અને મેં તેનો ઘણો આનંદ માણ્યો.
![]() |
![]() |
હાલમાં ચહલ આઈપીએલ રમવા માટે યુએઈ છે. તેણે કહ્યું હતું કે આઈપીએલની શરૂઆત પહેલા અમારી પાસે પ્રેક્ટિસનો પૂરતો સમય રહેશે. અમારી પાસે ૧૫ દિવસ હશે. આઈપીએલમાં મેદાન પર શું બનશે તે કહેવું અત્યારે ઉતાવળીયુ ગણાશે પરંતુ હાલમાં સૌથી મહત્વની વાત એ છે કે ક્રિકેટ ફરીથી શરૂ થઈ રહ્યું છે. ઘરે હતો ત્યારે હું આઈપીએલ વિશે વિચારતો ન હતો, હું સમય સાથે ચાલવા ઈચ્છું છું. લોકડાઉનના લાંબા ગાળા બાદ જ્યારે મેં ફરીથી બોલિંગ કરવાનું શરૂ કર્યું ત્યારે મને ઘણું જ વિચિત્ર લાગ્યું હતું.
મેં ચાર કે પાંચ ઓવર કરી હતી, તેમાં ક્યારેક મને લાગ્યું હતું કે હું મારો બોલિંગ રન અપ ભૂલી ગયો છું પરંતુ મને ફરીથી લય મેળવવામાં વધારે સમય લાગ્યો નહીં. તેણે કહ્યું હતું કે, ચાર મહિનાના લાંબા ગાળા બાદ ફરીથી બોલિંગ કરવાથી થોડી શંકા તો હતી. જ્યારે ખેલાડી ઈજાગ્રસ્ત થાય છે ત્યારે રમતથી દૂર થાય છે પરંતુ ત્યારે મેદાન પર તો જઈ શકે છે. આ ભાગ્યે જ જોવા મળે છે કે તમે ચાર મહિના સુધી મેદાન પર પણ જઈ શકતા નથી. યુઝવેન્દ્ર ચહલ ટિકટોક પર ઘણો લોકપ્રિય બન્યો હતો.