લાછરસ ગામે નિર્માણાધિન “અમૃત સરોવર” ખાતે વિદેશ મંત્રીએ જળાભિષેક સાથે કરી પૂજા અર્ચના
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના દેશમાં ૫૦ હજાર અમૃત સરોવરના નિર્માણના ભગીરથ કાર્યમાં જનઆંદોલનમાં સૌ કોઇને જોડાવા કેન્દ્રીય વિદેશ મંત્રીશ્રી ડૉ.એસ. જયશંકરની હિમાયત
નર્મદા જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૭૫ તળાવના ચાલી રહેલા નિર્માણના કાર્યમાં જોડાઇને વડાપ્રધાનશ્રીના સ્વપ્નને સાકાર કરવા જિલ્લાવાસીઓને મંત્રીશ્રીનો જાહેર અનુરોધ
રાજપીપલા, કેન્દ્રીય વિદેશ મંત્રીશ્રી ડૉ.એસ. જયશંકર આજે તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન નાંદોદ તાલુકાના લાછરસ ગામે “આઝાદી કા અમૃત મહોત્સવ” ઉજવણી અંતર્ગત જિલ્લામાં અમૃત સરોવરના નિર્માણની હાથ ધરાયેલી કામગીરી હેઠળ લાછરસ ગામે જેસીબી કંપનીના સહયોગથી નિર્મણ પામેલા “અમૃત સરોવર”ની મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કર્યું હતું.
આ અમૃત સરોવર ખાતે આજદિન સુધી થયેલી કામગીરી તેમજ હવે પછીના તબક્કાવાર તળાવ બ્યુટિફિકેશન સહિતની અન્ય હાથ ધરાનારી કામગીરીની જાણકારી મેળવી થયેલી કામગીરી બદલ તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો.
મંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, નર્મદા સુગર અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેનશ્રી ઘનશ્યામભાઇ પટેલ, પૂર્વ સંસદીય સચીવશ્રી હર્ષભાઇ વસાવા, જિલ્લાના અગ્રણીશ્રી ઘનશ્યામભાઇ દેસાઇ વગેરે પણ સાથે જોડાયા હતા. લાછરસ ગામના આ અમૃત સરોવર-તળાવ ખાતે કેન્દ્રીય વિદેશ મંત્રીશ્રી ડૉ.એસ. જયશંકરે જળાભિષેક કરી પૂજા અર્ચના કરી હતી.
ગ્રામજનોની વિશાળ ઉપસ્થિતિમાં યોજાયેલા ઉક્ત કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ.એસ. જયશંકરે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ નર્મદા જિલ્લાના સર્વાંગી વિકાસની ખૂટતી કડીઓમાં પૂરક બનીને જિલ્લાની વિકાસકૂચ આગળ ધપાવવાની જવાબદારી મને નિભાવવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે,
ત્યારે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સામાન્ય લોકોના જીવનમાં પરિવર્તન લાવી શકાય તેવા અમૃત સરોવરના માધ્યમ થકી પ્રત્યેક વ્યક્તિને પોતાના જીવનમાં પરિવર્તનનો સતત અહેસાસ થાય તેવું કાર્ય આજે સમગ્ર દેશમાં અમૃત સરોવર પ્રોજેક્ટ હેઠળ
દેશના ૭૫૦ જિલ્લાઓમાં એક વર્ષમાં જિલ્લા દીઠ ૭૫ જેટલા અમૃત સરોવરના નિર્માણ સહિત દેશભરમાં અંદાજે ૫૦ હજાર જેટલા અમૃત સરોવર નિર્માણના સ્વપ્નને સાકાર કરવા સરકાર, વિવિધ સંગઠનો અને પ્રજાની જનભાગીદારી સાથે આ પ્રોજેક્ટ લોક આંદોલનના સ્વરૂપમાં સાકાર થાય તે દિશાના સહિયારા પ્રયાસો માટે તેમણે ખાસ હિમાયત કરી હતી.
આ પ્રસંગે ગામના અગ્રણી સુશ્રી સાધનાબેન દેસાઇ, પ્રક્ષેસભાઇ પટેલ ઉપરાંત શ્રી દેસાઇએ કેન્દ્રીય મંત્રીશ્રી સાથે લાછરસ ગામના અમૃત સરોવર સંદર્ભે સીધો સંવાદ કર્યો હતો. જેસીબી કંપનીના સહયોગથી તેમના ગામમાં નિર્માણ પામેલા અમૃત સરોવરને લીધે હવે પાણીના સ્તર પણ ઉંચા આવશે.
તળાવની પાળી મજબૂતીકરણને લીધે વધુ વરસાદથી ગામમાં ફેલાતું પાણી પણ હવે બંધ થયું છે અને પાણીના સંગ્રહને લીધે કૃષિ-સિંચાઇમાં પણ તેનો લાભ ઉપલબ્ધ થશે. તે માટે સમગ્ર ગામના લોકો વતી સરકાર, પ્રસાશન અને જેસીબી કંપની પ્રત્યે તેઓશ્રીએ આભારની લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતમાં કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ.એસ. જયશંકર સહિત ઉપસ્થિત અન્ય મહાનુભાવોએ તળાવના સ્થળે વૃક્ષારોપણ કર્યું હતું.