Western Times News

Gujarati News

લાભ પાંચમે તમામ બજારો ફરીથી ધમધમતા થઇ ગયા

અમદાવાદ: વિક્રમ સંવત-૨૦૭૬ની કારતક સુદ પાંચમ એટલે લાભપાંચમના આજના પવિત્ર દિને વેપારીઓએ શુભ મૂર્હુતમાં પૂજા વિધિ કરી પોતાના વેપાર-ધંધાનું ઓપનીંગ કર્યું હતું. ચારથી પાંચ દિવસની રજાઓના મીની વેકેશન બાદ આજે લાભપાંચમના શુભ દિવસથી બજારો, વેપાર-ધંધા ફરી ધમધમી ઉઠયા હતા.

જેના કારણે છેલ્લા ચાર-પાંચ દિવસથી સૂમસામ ભાસતા બજારોમાં ફરી એકવાર રોનક અને ચહલપહલ નજરે પડી હતી. ખુલતા બજારે ફરી એકવાર ગ્રાહકોની ભીડ અને ચહલપહલના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. આજે લાભપાંચમનો પવિત્ર દિવસ હોઇ શ્રી મહાલક્ષ્મી માતાજીની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી તો, આજે જ્ઞાન પંચમીને લઇ સરસ્વતી માતાજી સહિત જ્ઞાનના ઉપકરણોનું પણ વિધિવત્‌ પૂજન કરવામાં આવ્યું હતું.

આજે લાભપાંચમને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરના મંદિરોમાં પણ શ્રધ્ધાળુ ભકતોની ભારે ભીડ જાવા મળી હતી. ખાસ કરીને શ્રી મહાલક્ષ્મી માતાજી અને સરસ્વતી માતાજી અને ગણપતિ દાદાના મંદિરમાં ભકતોનો ભારે ધસારો જાવા મળ્યો હતો. આજે તા.૧લી નવેમ્બરે શુક્રવારે આવેલી લાભપાંચમ લક્ષ્મીકૃપા અને વેપાર વૃદ્ધિ  માટે સર્વોત્તમ યોગ બની રહ્યો હોઇ વેપારીઆલમ અને ધંધા-રોજગાર વર્ગમાં ભારે ખુશી અને ઉત્સાહનો માહોલ જાવા મળ્યો હતો.

આ પંચમીને સૌભાગ્ય પંચમી, શ્રી પંચમી અને જ્ઞાન પંચમી તરીકે પણ ઓળખવામાં આળે છે. દિવાળીના તહેવારોની ચાર-પાંચ દિવસની રજાઓના મીની વેકેશન બાદ લાભપાંચમના આજના શુભદિને વેપારીઓએ શુભ અને વિજયી મૂર્હુતમાં પોતપોતાના વેપાર-ધંધા અને રોજગારનું વિધિવત્‌ પૂજન-આરતી અને કંકુચાંલ્લા સાથે ઓપનીંગ કર્યું હતું. ખાસ કરીને વેપારસ્થાનમાં મૂર્હુત કર્યા બાદ કંકુ-ચોખા-પુષ્પ વસ્તુથી કેશ બોક્સ, ચોપડાઓની પૂજા કરાઇ હતી અને શ્રી મહાલક્ષ્મી માતાજીને ગુલાબના ફુલ, ફળ, મીઠાઇ અર્પણ કરી વહેંચવામાં આવી હતી અને એકબીજાને શુભમૂર્હુતમાં લાભપાંચમની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

દરમ્યાન જૈન ધર્મમાં કારતક સુદ પંચમીને જ્ઞાન પંચમી તરીકે ઉજવણી કરાઇ હતી. ખાસ કરીને જ્ઞાન અને તે સંબંધી ઉપકરણોની ખાસ પૂજા કરવામાં આવી હતી. સાથે સાથે જૈન સંઘો અને દેરાસરમાં જ્ઞાન સંબંધી પ્રવચનોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.